શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 ઑગસ્ટ 2021 (21:31 IST)

નવી શૈક્ષણિક નીતિ-2020: GTU દ્વારા સાયબર સિક્યોરીટીઝ સહિતના વિવિધ શોર્ટ-ટર્મ કોર્સિસ ચલાવવામાં આવશે

નવી શિક્ષણ નીતિ 2020માં વિધાર્થીઓના સંર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને શિક્ષણ પધ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવ્યું છે. ટેકનીકલ –નોનટેકનિકલ શિક્ષણની સાથો-સાથ વિધાર્થીઓને અન્ય શાખાઓ , ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જેવી બાબતોનું પણ વિશેષ જ્ઞાન મળે તે માટેની પ્રણાલી વિકસાવવામાં આવી છે. 
 
જેને પગલે અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જી.ટી.યુ) દ્વારા ટેકનીકલ જ્ઞાનની સાથે વિધાર્થીઓને આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ જ્ઞાનકેન્દ્રિત કરાવવાના શુભ આશયથી 12 જેટલા નવીન કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.  પૂનાની ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશન અને જી.ટી.યુ. ના સંયુક્ત ઉપક્રમે આ શુભ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 
 
આ સંદર્ભે વધુ વિગતો આપતા જી.ટી.યુ. ના કુલપતિ પ્રોફેસર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતુ કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં જી.ટી.યુ.ની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીએ તેની અનેકવિધ શૈક્ષણિક પહેલના કારણે રાજ્ય અને દેશભરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વિધાર્થીઓને શિક્ષણ માટે આકર્ષયા છે.જેના ભાગરૂપે કોરોના જેવી કપરી મહામારી વચ્ચે પણ જી.ટી.માં રાજ્યભરની અન્ય યુનિવર્સિટીની સરખામણીએ વધુ વિદેશી વિધાર્થીઓને એડમીશન લીધું છે.
 
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલી નવી શૈક્ષણિક નીતી-2020માં દેશની યુનિવર્સિટીઓને બહુઆયામી અભિગમ અપનાવીને વિધાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ટેકનીકલ , નોનટેકનિકલ અને આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા કોર્ષ શરૂ કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે. અમે ઘણા સમયથી નોંધ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ, વારસા અને ઇતિહાસની નોંધ વિદેશની યુનિવર્સિટીમાં પણ લેવાય છે. જર્મની માં અલગ-અલગ 14 યુનિવર્સિટીમાં સંસ્કૃતિ વિષયને લગતા અભ્યાસ ચાલે છે. 
 
આપણા રાજ્યમાં પણ યુવાપેઢી, વિધાર્થીઓ આપણી સંસ્કૃતિથી ઉજાગર થાય તેવા શુભ આશયથી જી.ટી.યુ. ધરોહર અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમાં અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સ્ટડી ઓફ વેદાસ, પ્રાચીન ભારતીય વાસ્તુકલા, ભારતીય કલા, સ્ટડી ઓફ પુરાણ, પ્રાચીન રાજનીતીક વ્યવસ્થા જેવા પ્રાચીન પરંપરાઓને લગતા વિષયોને સમાવી લેવામાં આવ્યા છે. આ કોર્ષનો અભ્યાસ ઓનલાઇન માધ્યમથી પણ કરી શકાશે.
 
જી.ટી.યુ. દ્વારા ટેકનીકલ ક્ષેત્રે બજાર આધારીત માંગ , પ્રવર્તમાન ઔધોગિક અને તકનીકી ક્ષેત્રે જોબ ગિવર્સની જરૂરિયાતોનું આંકલન કરીને 8 નવા સર્ટીફીકેટ કોર્ષ થી લઇ માસ્ટર્સ લેવના ટેકનિકલ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.