શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જુલાઈ 2020 (15:35 IST)

ગુજરાતની યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષાઓ ઓગસ્ટ કે સપ્ટે.માં લેવાશે

કેન્દ્રિય ગૃહમંત્રાલયે કેન્દ્રિય શિક્ષણ સચિવના પત્રને અનુસંધાને યુનિ.ઓની છેલ્લા વર્ષની ટર્મ પરીક્ષાઓ યોજવા માટે મંજૂરી આપી દીધી છે.જેને પગલે હવે કેન્દ્ર સરકારની નવી સૂચના સાથે અને કેન્દ્રીય આરોગ્ય વિભાગની સ્ટાન્ડર્ડ ઓફ પોલીસી સાથે પરીક્ષાઓ થશે અને ગુજરાતમાં પણ યુનિ.ઓની પરીક્ષા લેવાશે. જુલાઈના અંત સુધીમાં તો હવે પરીક્ષાઓ લેવાશે નહી પરંતુ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પરીક્ષાઓ થઈ શકે છે અને યુજીસી સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાની મંજૂરી આપી દીધી છે. યુજીસી યુજીમાં અને પીજીમાં છેલ્લા વર્ષની સેમેસ્ટર પરીક્ષાઓ લેવાની તરફેણમાં છે અને પરીક્ષાઓ રદ કરવાની તરફેણમાં નથી. યુજીસીની આજે મીટિંગ મળી હતી જેમાં કમિટીની ભલામણો બાદ પરીક્ષાઓ રદ ન કરવાનું નક્કી કરાયુ હતુ. ઉપરાંત બીજી બાજુ કેન્દ્રિય ગૃહમંત્રાલયે પરીક્ષાઓ લેવા મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકારે અનલોક-2 હેઠળ 31 જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવા ગાઈડલાઈન જાહેર કરી છે ત્યારે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં યુનિ.ઓની પરીક્ષાઓ ચાલુ હોવાથી કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવે પરીક્ષાઓ મોકુફ કરી દેવા સૂચના આપી હતી.જેના પગલે ગુજરાતમાં જીટીયુ સહિતની યુનિ.ની પરીક્ષા મોકુફ કરાઈ.  પરંતુ કેન્દ્રના શિક્ષણ સચિવે મંજૂરી માંગતા ગૃહમંત્રાલયે યુનિ.ઓની છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા મંજૂરી આપી છે. ઉપરાંત યુનિ.ઓની છેલ્લા વર્ષની પરીક્ષાઓને ફરજીયાત ગણવામા આવી છે. કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામા આવનાર એસઓપી સાથે અને કેન્દ્રની નવી સૂચનાઓ સાથે હવે પરીક્ષાઓ લેવાશે. થોડા દિવસમાં કેન્દ્રિય શિક્ષણ વિભાગ રાજ્યોને પરીક્ષા લેવા માટે ફરી સૂચના આપશે અને યુજીસીએ આજે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. યુજીસી દ્વારા હવે સપ્ટેમ્બર અંત સુધી પરીક્ષાઓ લેવા માટે સૂચના અપાઈ છે અને જેમાં ઓફલાઈન કે ઓનલાઈન તેમજ અન્ય કોઈ પણ વિકલ્પ સાથે પરીક્ષા લેવા મંજૂરી અપાશે.પરંતુ પરીક્ષા કે મૂલ્યાંકન વગર મેરિટ બેઝ પ્રમોશન શક્ય નથી. સપ્ટેમ્બરમાં નીટ--જેઈઈની પરીક્ષાઓ હોવાથી યુનિ.ઓની પરીક્ષાઓ પણ યોજાઈ શકે છે.જો કે તે પહેલા મેડિકલ-પેરામેડિકલની પરીક્ષાઓ જુલાઈ-ઓગસ્ટમાં પુરી કરી દેવાશે. યુજી-પીજીની પરીક્ષાઓની તૈયારી ઓ ફરી કરવા માટે હવે યુનિ.ઓને સમય લાગે તેમ હોવાથી જુલાઈના અંત સુધીમાં પરીક્ષાઓ નહી યોજાય.કેન્દ્રના વિભાગો તેમજ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ સંકલન જ ન હોવાની ફરિયાદો ઉઠી છે. યુનિ.ઓની પરીક્ષાઓ મુદ્દે કેન્દ્ર સરકાર ત્રણ મહિને પણ નિર્ણયો લઈ શકી નથી.અનેકવાર પરીક્ષાઓ મુદ્દે નિર્ણયો ફેરવાયા .અગાઉ પરીક્ષાઓ લેવા સૂચના અપાઈ ત્યારબાદ પરીક્ષાઓ મોકુફ કરાવાઈ અને હવે ફરીથી પરીક્ષાઓ લેવા સૂચના અપાશે. કેન્દ્રના ગૃહ વિભાગે 31 જુલાઈ સુધી જાહેર કરેલી ગાઈડલાઈન વખતે પરીક્ષા મુદ્દે કેમ મંજૂરી ન આપી અને થોડા દિવસ બાદ કેન્દ્રના શિક્ષણ સચિવ પરીક્ષાઓ લેવા મંજૂરી માંગે છે અને પરીક્ષાઓ લેવા મંજૂરી આપવામા આવે છે.આ ઉપરાંત મેડિકલ-પેરામેડિકલ પરીક્ષાઓને લઈને પણ કેન્દ્રિય શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ વચ્ચે પણ સંકલન નથી.