બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (14:03 IST)

ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ઉગ્ર બન્યું, ગાંધીનગરમાં પોલીસ અને કોંગી કાર્યકરોમાં ઝપાઝપી, શંકરસિંહનો ગૃહમાં ઉગ્ર વિરોધ

વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ ગૃહમાં નલિયાકાંડ મામલે કોંગ્રેસ હોબાળો કર્યો હતો. પ્રથમ દિવસે ગવર્નર ઓ.પી.કોહલીના પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ 'બળાત્કારી જનતા પાર્ટી, ભાજપથી બેટી બચાવો' જેવા સૂત્રોચ્ચાર કરી વેલમાં ધસી આવ્યા હતા અને કાગળો ફેંક્યા હતા. કોંગ્રેસના ઉગ્ર વિરોધને લીધે ગવર્નરે માત્ર છ મિનિટમાં જ પ્રવચન ટૂંકાવ્યું હતું.  ગુજરાત વિધાનસભા ગૃહનું બજેટ સત્ર 20 ફેબ્રુઆરીથી 31મી માર્ચ, સુધી મળશે. સોમવારથી હાથ ધરાનાર સત્રમાં કુલ 26 દિવસ દરમિયાન 28 બેઠકો મળશે.  21મી નાણામંત્રી નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરશે. સત્રના પ્રથમ દિવસથી કોંગ્રેસ નલિયા સેક્સકાંડના મુદ્દે રાજયપાલના પ્રવચનનો બહિષ્કાર કરી વિરોધ કર્યો. આ દરમિયાન વિધાનસભામાં પ્રવેશ વખતે તમામ MLAનું ચેકિંગ કરી અંદર જવાની પરવાનગી અપાઇ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે શહેરની સત્યાગ્રહ છાવણીમાં એક જાહેર સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સત્યાગ્રહ છાવણી પોલીસની અભેદ કિલ્લેબંધીમાં ફેરવાઇ ગયુ છે. કોંગ્રેસની સભાને પગલે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

વિધાનસભાના ઘેરાવને પગલે 700થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભાસ્થળે તેમજ વિધાનસભા ખાતે એક આઇજી, 4 એસપી, 10 ડીવાયએસપી, 25 પીઆઇ, 500 કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ, 200 મહિલા પોલીસ કર્મી, ત્રણ વોટર કેનન તેમજ છ એસઆરપીની ટુકડીઓ ગોઠવવામાં આવી છે. સભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા નલિયાકાંડ મુદ્દે સીટિંગ જજની માંગ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સભા બાદ વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી દ્રશ્યો સર્જાયા હતાં.  પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ કોંગ્રેસે વિધાનસભાનો બે વાર ઘેરાવ કર્યો છે. આ સંકુલ ફરતે તારની વાડ વધારાની બાંધી છે, જોકે અમે વોટરકેનન અને ટિયરગેસ વગેરેને અવગણીને વિધાનસભાનો ઘેરાવ કરીશું. રાજ્યપાલ દ્વારા નલિયા દુષ્કર્મકાંડની તપાસ હાઇકોર્ટના સીટિંગ જજ દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસની માગણી છે, જો તેમ થશે તો જ ગુનેગારોને પકડી શકાશે.