સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2023 (13:38 IST)

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર મૂકાયો પ્રતિબંધ, હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી

ગુજરાતમાં નવરાત્રિ એટલે માં જગદંબાની આરાધનાનું પર્વ. આ નવ દિવસોમાં માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યાર બાદ સંગીતના સૂરમાં મસ્ત બનીને ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈને નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેની ભેદભાવભરી નીતિઓથી ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી યોજાનારા ગરબા મહોત્સવમાં આ વખતે વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવતા વિદ્યાર્થિનીઓ લાલઘુમ થઈ ગઈ છે.

ગુજરાત વિદ્યાપીઠની વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થિની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવશે તેવી ધમકીઓ પણ ગૃહમાતા દ્વારા આપવામાં આવી છે. આ અંગે વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધ્યક્ષોએ પણ આ મુદ્દે મગનું નામ મરી પાડવાની તસ્દી લીધી નથી. ગુજરાત વિદ્યાપીઠના નવા વિવાદથી ચકચારી મચી ગઈ છે. આ મામલે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકે જણાવ્યું કે, નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે.

આ મામલે મને કોઈ જ જાણ નથી. તો કન્યા છાત્રલયના ગૃહમાતા રીટબેન પટેલે જણાવ્યું કે, મને પણ આ મામલે કઈ જ ખબર નથી, તમે વાઈસ ચાન્સેલરને જઈને પૂછો.વિદ્યાપીઠના કુમાર વિનયમંદિર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા 50 વર્ષથી નવારાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ભાગ લેતા હોય છે. જેમાં સૌથી પહેલા વિદ્યાર્થિનીઓ દ્વારા ગરબા રમવામાં આવે છે. 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓના ગરબા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ગરબા યોજાય છે. પરંતુ આ વખતે અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓના ગરબા ગાવા જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.