ગુજરાતમા ગરમીમાં એકાએક વધારો: 11 શહેરમાં 33 ડિગ્રીથી વધુ તાપમાન

Last Modified શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (13:13 IST)

કુદરતે સ્વિચ પાડીને  મોસમમાં બદલાવ લાવી દીધો હોય તેમ અચાનક જ ઠંડી ગાયબ થઇ ગઇ છે અને ગરમીમાં વધારો થઇ ગયો છે. ગુજરાતના ૧૦ શહેરમાં ૩૩ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૩૨.૮ ડિગ્રી ગરમીનો પારો રહ્યો હતો અને ઉનાળાનો પ્રારંભ થઇ રહ્યો હોવાનો અહેસાસ અનુભવાયો હતો.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં પવનની દિશા દક્ષિણપશ્ચિમથી પશ્ચિમની થતાં ગરમીમાં વધારો નોંધાયો છે. આગામી ૨-૩ દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં ૩૨.૮ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૪ ડિગ્રીનો વધારો જ્યારે ૧૬.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨.૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીની આસાપાસ રહી શકે છે. મોડી રાત્રે-વહેલી સવારે ઠંડીના સાધારણ ચમકારા અને દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાઇ રહી છે.
આજે ૩૫ ડિગ્રી સાથે ભૂજ અને દીવમાં સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા-ડીસામાં ૩૩, ગાંધીનગરમાં ૩૨.૮, સુરત-રાજકોટ-કેશોમાં ૩૪, અમરેલીમાં ૩૩.૮, સુરેન્દ્રનગરમાં ૩૩.૫, મહુવામાં ૩૪.૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં સરેરાશ લઘુતમ તાપમાન ૨૩.૬ ડિગ્રી થયું હતું જ્યારે ૧૨.૮ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.આ પણ વાંચો :