રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2023 (16:59 IST)

ગુજરાતી બાળ સાહિત્યકાર હરીશ નાયકનું 97 વર્ષની વયે નિધન

ગુજરાતી સાહિત્ય જગતમાં મૂઠી ઊંચેરું નામ અને ગુજરાતી બાળ સાહિત્ય સર્જનમાં જેમનો સિંહ ફાળો રહ્યો તેવા બાળકોના પ્રિય લેખક હરીશ નાયકનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સાહિત્ય જગતમાં શોક છવાયો છે. તેમનાં નિધનની પુષ્ટિ તેમનાં પુત્રી નમ્રતાબેને કરી હતી. તેઓ બાળ સામયિક ઝગમગના તંત્રી હતાં.

1952થી શરુઆત કરીને અત્યાર સુધીમાં હરીશભાઈએ 2000થી પણ વધારે વાર્તાઓ લખી છે. તેમનાં જાણીતાં પુસ્તકોની યાદી તો બહુ લાંબી છે પણ કેટલાક પુસ્તકોનો ઉલ્લેખ કરીએ તો કચ્ચુ-બચ્ચુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ, અવકાશી ઉલ્કાપાત, મહાસાગરની મહારાણી, લોકલાડીલી લોક-કથાઓ, પાંદડે-પાંદડે વાર્તા, ઝમક-ચમક કથાઓ, ચોવીસ ગુરૂનો ચેલો, ગુલીવર્સ ટ્રાવેલ્સ, નારદ વાણીનો સમાવેશ થાય છે. તેમના પુસ્તક કચ્ચુ-બચ્ચુનો સાત ભાષાઓમાં અનુવાદ થયેલ છે.

આ ઉપરાંત તેમણે રચેલી હર્ક્યુલીસ લેખમાળા પણ ઘણી પ્રખ્યાત થઈ હતી. તેમણે લિખિત યુધ્ધકથા લડાખના લડવૈયા પણ ખુબજ લોકપ્રિય રહ્યુ હતું. બાળ સાહિત્ય અને બાળવાર્તાઓને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતભરમાં બાળવાર્તાઓ કરવા જતા હતાં. છેલ્લાં દશ વર્ષથી પ્રગતિશીલ શિક્ષણ વિભાગમાં બાળ સાહિત્ય વિભાગનું સંપાદન કરતા કિશોર પંડ્યાએ જણાવ્યું હતું કે, ચીન સાથેના યુદ્ધ પછી તેમની 'લડાખના લડવૈયા' પુસ્તકને સારો આવકાર મળ્યો હતો. બાળકો સામે રૂબરૂ જઈને વાર્તા કહેનાર કુટુંબ તરીકે તેમણે ઉમદા કાર્ય કર્યું હતું. બાળકો માટે એક રૂપિયામાં વાર્તનું પુસ્તક મળે એ રીતે તેમણે પુસ્તકો પણ છપાવ્યા હતા. બાળસંદેશ, ઝગમગ, ઉપરાંત સુરતથી પ્રગટ થતાં ગુજરાત મિત્રમાં પણ તેમણે બાળ વિભાગનું સંપાદન કર્યું હતું. સંપાદક તરીકે અનેક વાર્તાકારોનું ઘડતર તેમણે કર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી બાળ સાહિત્યને ઓળખ આપવાનું કામ તેમના દ્વારા થયું છે. તેમની અનેક વાર્તાઓ બીજા રાજ્યોમાં અનુદિત થઈને પ્રશંસા પામી છે. તેમણે કટાક્ષ અને વ્યંગ આધારિત નવલકથા પણ આપી છે. તેમના અવસાનથી ગુજરાતી બાળ સાહિત્યને મોટી ખોટ પડશે.