ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (15:32 IST)

ગુજરાતમાં 3 વર્ષમાં પોલીસ જાપ્તામાંથી 124 કેદીઓ ભાગી ગયા

રાજ્યમાં પોલીસ જાપ્તામાંથી કેદીઓના ભાગી જવાના મુદ્દે  હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આરોપીઓ કે કેદીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે અથવા તો હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતી વખતે સુરક્ષાના મુદ્દા પર નવી માર્ગદર્શિકા બનાવવામાં આવે તેવો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આરોપીઓ અને કેદીઓને તેમની સામેના આરોપ કે ગુન્હા મુજબ વર્ગીકૃત કરી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટાફને માહિતગાર કરવામાં આવે.

આ પ્રકારના બનાવમાં જો પોલીસની સાંઠગાંઠ નજરે પડે તો તેમની સામે કડક પગલા લેવામાં આવે અને આ અંગે એક માસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ જાપ્તામાંથી કેદીઓના ભાગી જવાના 124 બનાવ બન્યા છે.  ઓક્ટોબર-2016 સુધીમાં આ પ્રકારના બનાવમાં 183 પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવી છે જેમાંથી 129 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ  છે અને 16 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવામાં આવ્યા છે. 82 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય પગલાની કાર્યવાહી ચાલુ છે.