મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2017 (16:46 IST)

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં શિવજીની પૂજા કરવાને લઈને વિવાદ વકર્યો

આજે શ્રાવણ માસના સોમવારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝા ખાતે લો ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ દ્વારા બરફનું શિવલિંગ મૂકીને પૂજા કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટી વિજિલન્સ દ્વારા શિવજીની કરવામાં આવેલી પૂજા રોકવાનો પ્રયાસ કરતા સ્ટુન્ડટ્સ અને વિજિલન્સ અધિકારીઓ વચ્ચે દોઢ કલાકનો હાઈવોલ્ટેજ ડ્રામાં ચાલ્યો હતો. જોકે, વિવાદ પછી પણ સ્ટુડન્ટ્સે શિવજીની પૂજા - આરતી કરી હતી.  વિજિલન્સ ટીમે પૂજાનું આયોજન કરનાર સ્ટુડન્ટ્સને જણાવ્યું કે, ધાર્મિક કાર્યક્રમ માટે રજિસ્ટાર તેમજ પોલીસની પરવાનગી જરૂરી છે.

આ કાર્યક્રમ બંધ કરો. વિજિલન્સ ટીમે યુનિવર્સિટીનો નિયમ બતાવી પૂજા બંધ કરવાનું જણાવતા સ્ટુડન્ટસ રોષે ભરાયા હતા. અને હર હર મહાદેવના નારા લગાવાનું શરૂ કરી દીધું હતું.  યુનિવર્સિટી વિજિલન્સના અધિકારી પી.પી. કાણાનીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, મને ઉપરથી ઓર્ડર હતો એટલે મારે સ્થળ ઉપર જઈને કાર્યક્રમ અટકાવવો પડ્યો હતો તથા  વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંઘના વી.પી પ્રિયંકા પટેલે જણાવ્યું કે, એક તરફ દેશમાં હિન્દુવાદી સરકાર છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ હોવાથી અમે આ કાર્યક્રમ યોજ્યો હતો. કેટલાંય સમયથી અમે પરમિશન માટે ધક્કા ખાઈ રહ્યા હતા. પણ કોઈએ પરમિશન ન આપતાં આખરે અમે માત્ર પૂજાનો કાર્યક્રમ રાખ્યો હતો. કોઈપણ પ્રકારનાં વાજિંત્રો કે ડીજે પણ રાખ્યુ નથી જેથી કોઈની લાગણી દુભાવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. અવાર નવાર અમે આવા કેટલાંય કાર્યક્રમો કરીએ છીએ અને વિદ્યાર્થીઓ સ્વેચ્છિક રીતે જોડાતા હોય છે. દરમિયાન આ બનાવની જાણ સિનીયર નેતાઓને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. અને શિવજીની પૂજા અંગે વિવાદ વધુ વકરે તે પહેલાં મામલો થાડે પાડ્યો હતો. જોકે, શિવજીની પૂજાને લઇ દોઢ કલાક સુધી સ્ટુડન્ટ્સ અને વિજિલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું. દોઢ કલાક સુધી ચાલેલા વિવાદ બાદ લો ફેકલ્ટીના સ્ટુડન્ટ્સે બરફના શિવલિંગની પૂજા કરી શ્રાવણ માસના સોમવારની ઉજવણી કરી હતી. આવનારા દિવસોમાં અન્ય ધર્મના સ્ટુડન્ટ પણ પોતાના ધર્મના તહેવારની ઉજવણી કરે તો નવાઇ નહી. આજે શિવજીની પૂજાને પગલે સર્જાયેલા વિવાદ બાદ સ્ટુડન્ટસોમાં આવનારા દિવસોમાં અન્ય ધર્મના લોકો પણ ધાર્મિક તહેવારોની ઉજવણી કરશે તો કોઇ રોકી શકશે નહિં.