શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (12:34 IST)

હાર્દિક પટેલને અપાયેલી રાહત હટાવવા સરકારની હાઈકોર્ટમાં અરજી

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે પાટણમાં નોંધાયેલી રાયોટિંગ અને ગુનાઇત કાવતરાની ફરિયાદમાં તેને અપાયેલી વચગાળાની રાહતો હટાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે કેસમાં હાર્દિકની ભૂમિકા બહાર આવી હોવાથી આ ફરિયાદ રદ ન થવી જોઇએ.
કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર હાદિક પટેલને પાટણમાં નોંધાયેવા વર્ષ ૨૦૧૭ના રાયોટિંગ અને ગુનાઇત કાવતરાના કેસમાં અપાયેલી રાહત  હટાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં હાર્દિક અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત થતા પોલીસને હાર્દિક સામે કોઇ પગલાં ન લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. જો કે સરકારે આ ફરિયાદ રદબાતલ ન ઠેરવવા માગમી કરી છે.
રાજ્ય સરકારના સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે હાર્દિક સામેના આક્ષેપો ગંભીર છે. ફરિયાદ અને તપાસ દ્વારા બહાર આવ્યું છે કે  આ બનાવમાં હાર્દિકની ભૂમિકા છે.  આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા હાર્દિકને અપાયેલી વચગાળાની રાહતો હટાવી જોઇએ.
પાટણમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર નરેન્દ્ર પટેલે વર્ષ ૨૦૧૭માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક અને દિનેશ બાંભણિયાએ તેના પર હુમલો કર્યો છે અને સોનાની ચેઇનની લૂંટ કરી છે. પોલીસે આ અંગે રાયોટિંગ અને ગુનાઇત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદ રદ કરાવવા માટે હાર્દિકે હાકિોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદી નરેન્દ્ર પટેલે પણ કોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા રજૂઆત કરી હતી કે હાર્દિક સામે તેને કોઇ ફરિયાદ નથી અને બન્ને વચ્ચે સમાધાન થઇ ચૂક્યું છે. આ રજૂઆતોને ધ્યાનમાં લઇ કોર્ટે પોલીસને હાર્દિક સામે કોઇ પગલાં ન લેવા આદેશ આપ્યો હતો.