બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (18:20 IST)

શાળામાં જાદુના શો પર પ્રતિબંધ ફરમાવતા ગુજરાતના જાદુગરોએ સરકાર સામે બાંયો ચડાવી

સરકારે સ્કૂલોમાં જાદુના શો પર રોક લગાવતા જાદુગરોએ ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. એટલું જ નહિ, જાદુગરો પોતાને મળેલા અવોર્ડ પણ સરકારને પરત આપશે.  થોડા સમય પહેલા એક જાદુગરે શિક્ષણપ્રધાનને જાદુના ખેલ શાળામાં બંધ કરાવવા રજૂઆત કરી હતી. આ જાદુગરની રજૂઆત હતી કે, જાદુના ખેલ શાળામાં બતાવવાથી બાળકોના અભ્યાસ પર ખરાબ અસર પહોંચે છે. એક જાદુગરની સલાહથી જાદુના ખેલ શાળામાં ન બતાવવાનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા નિર્ણય લેવાયો હતો. ત્યારે શિક્ષણમંત્રીના આ નિર્ણયથી રાજ્યના 5 હજારથી વધુ જાદુગરોની આજીવિકા જોખમમાં મૂકાઈ છે. 
જાદુના ખેલ શાળામાં બતાવવાનું બંધ કરાવતા રાજ્યભરના જાદુગરો સરકારથી નારાજ થયા છે. ત્યારે પોતાની રોજગારના નિર્ણયને લઈને ગુજરાતભરના જાદુગરો આજે મોટી સંખ્યામાં સચિવાલય ખાતે એકઠા થયા હતા.  રાજ્ય સરકારના એવોર્ડથી સન્માનિત જાદુગર અલ્પા રાજગુરુએ પોતાની રજૂઆતમાં કહ્યું કે, શાળામાં જાદુના શો બંધ કરાવાતા જાદુગરોના પરિવારોની હાલત કફોડી બની છે. અમે જાદુગરો શાળામાં જાદુ બતાવવાની સાથે બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, સ્ત્રી શક્તિકરણના કાર્યક્રમો પણ કરે છે. અમે અંધશ્રદ્ધા સામે પણ લોકજાગૃતિ લાવીએ છીએ. નજીવા દરે અમે જાદુની કળા બતાવીએ છીએ. હાલ ગુજરાતના તમામ જાદુગર બેરોજગાર બન્યા છે. તેથી અમે શિક્ષણમંત્રી સામે અમારી વાત મૂકીશું. 
જાદુગર ભાવિક કુમાર રાજગુરુએ દાવો કર્યો કે, સરકાર અમારી વાત નહિ માને તો તમામ જાગુર રાજ્ય સરકાર પાસેથી જે સન્માન મળ્યા છે તે પરત કરશે. તમામ જાદુગરોનો આરોપ છે કે, ભાવનગરના એક જાદુગરે તમામની વિરુદ્ધ સરકારમાં એક અરજી આપી હતી. તેમાં આરોપ લગાવ્યો હતો કે, તમામ જાદુગર સ્કૂલના બાળકો પાસેથી વધુ રૂપિયા લઈને જાદુ બતાવે છે. ત્યારે સરકારે કોઈ પણ તપાસ કર્યા વગર તાત્કાલિક સ્કૂલોમાં જાદુના ખેલ ન બતાવવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ એકતરફી નિર્ણયથી જાદુગરોની રોજગારી પર અસર થઈ છે. હાલ, ગુજરાતના 100થી વધુ જાદુગરોએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહને મળવા માટે સમય માંગ્યો છે.