ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (11:57 IST)

સુરતના ઓલપાડમાં ગેસ સિલીન્ડર ભરેલી ટ્રકમાં આગ ભભૂકતાં બોટલો હવામાં ઉડી !

સુરતનાં ઓલપાડમાં આજે વ્હેલી સવારે 6-30 કલાક આસપાસ ગેસનાં સિલીન્ડર ભરી જતી ટ્રકમાં અચાનક આગ લાગતાં ટ્રકમાં ભરેલા સિલીન્ડર ધડાકાભેર ફાટ્યા હતાં અને બ્લાસ્ટ થઇને હવામાં ઉડ્યા હતાં. જો કે આ ઘટના દરમ્યાન કોઇ જાનહાની થઇ ન હતી. સિલીન્ડર બ્લાસ્ટ થઇને હવામાં ઉડતા આસપાસનાં ગામોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ વિસ્ફોટનો અવાજ એટલો તિવ્ર હતો કે, ઘટનાસ્થળની આસપાસનાં અનેક વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો હતો. આ ઘટનાને પગલે તુરંત સુરત ફાયર વિભાગની ટીમો પહોંચી ગઇ હતી. અને તરત આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને નજરે જોનાર વ્યક્તિએ જણાવેલ હતું કે, બસ સાથે ગેસ સિલીન્ડર ભરેલી આઇસર ટ્રકનું ટાયર અથડાયા બાદ આગ લાગી હતી. ગેસસિલીન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગ્યા બાદ નજીકમાંથી પસાર થતી રેડિયન્ટ સ્કૂલની બસ આગના જ્વાળાની લપેટમાં આવી ગઇ હતી. જો કે તમામ વિદ્યાર્થીઓને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી લીધા હતાં. દરમ્યાન સ્કૂલ બસ સાથે સિમેન્ટ ભરેલો ટેમ્પો અથડાયો હતો અને સિલીન્ડર બ્લાસ્ટ થઇ એક ઓટો રીક્ષાપર પડતાં રીક્ષાનું ઉપરનું હૂડ બળીને ખાક થઇ ગયું હતું. આગની દુર્ઘટનાની જાણ થતાં જ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આસપાસના ગામમાંથી લોકો પણ દોડી આવ્યાં હતાં. ઓલપાડ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ગોઠવાઈ ગયો હતો. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે તપાસ માટે એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ વિસ્તારમાં ગેસ રિફલિંગનો વેપલો ચાલતો હોવાથી કદાચ કોઈ બોટલમાંથી ગેસ કાઢ્યાં બાદ બોટલ લિકેઝ રહી ગઈ હોય અને તેના કારણે પણ પ્રચંડ આગ લાગી હોવાનું અનૂમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ટ્રકના ડ્રાઈવર ક્લિનર લાપતાં હોવાથી એફએસએલની તપાસમાં આગ લાગવાનું કારણ મળી શકે છે.