સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (15:58 IST)

રાજકોટ જિલ્લામાં 9 હજાર જેટલા નકલી આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કૌભાંડ

રાજકોટ જિલ્લામાં 9000 જેટલા નકલી આયુષ્માન કાર્ડ કાઢીને સરકાર તેમજ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ થયાનું ખુલ્યું છે અને તેમાં 9 ઓપરેટરને છૂટા કરવાનો આદેશ થયો છે. ગુજરાતમાં એક જ પરિવારના નામે 1700 જેટલા કાર્ડ નીકળ્યા હોવાના દિવ્યભાસ્કરના ઘટસ્ફોટ બાદ સમગ્ર રાજ્યમાં આયુષ્માન કાર્ડના વેરિફિકેશન અને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં રાજકોટ જિલ્લામાંથી 9000 નકલી આયુષ્માન કાર્ડ નીકળ્યા હોવાનું ખુલ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર એક જ એચએચઆઈડીનો ઉપયોગ કરી એક પરિવારમાં 250થી 300 લોકોને ઉમેરી નવા કાર્ડ કઢાવ્યા હતા. જે સંદર્ભે કલેક્ટરના આદેશ અનુસાર 9 ઓપરેટરને છૂટા કરી દેવાયા છે. કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ ગુનો નોંધવા માટે કમિટી રચાઈ છે. કઈ રીતે અને ક્યાંથી કાર્ડ નીકળ્યા હતા તે મામલે સાયબર સેલની પણ મદદ લેવાય તેવી શક્યતા છે. આયુષ્માન કાર્ડના લાભાર્થીઓ માટે 2011ના સામાજિક અને આર્થિક સરવેને આધાર બનાવ્યો છે. આ સરવેમાં જે પરિવાર પછાત તરીકે નોંધાયા હતા તે તમામને નંબર અપાયો હતો જેને એચએચઆઈડી કહેવાય છે. આ નંબર ધરાવનારનું જ આયુષ્માન કાર્ડ નીકળતું હતું. કાર્ડ કાઢનાર ઓપરેટર પાસે મોટા પ્રમાણમાં આ નંબર રહેતા હતા. જેમના કાર્ડ નીકળી ગયા હતા તેમના નંબરનો ફરી ઉપયોગ કરી પરિવારના સભ્ય ઉમેરવાનો ઓપ્શન સિલેક્ટ કરી ભળતી અટકવાળા લોકોને ઘૂસાડી દેવાતા અને નવું કાર્ડ પણ કાઢી અપાતું હતું. સાચા લાભાર્થીઓને ખબર જ હોય કે તેમના પરિવારમાં સરકારી ચોપડે 250 સભ્યો બોલે છે. એક એચએચઆઈડી પરથી જેટલા પણ લાભાર્થી નોંધાય કે કાર્ડ નીકળે તે પરિવાર માટે વર્ષ દીઠ મહત્તમ 5 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. પરિવારના નકલી સભ્ય તરીકે ઘૂસી જો કોઇ લોકો આ 5 લાખની સારવાર કરાવી લે તો મૂળ અને સાચા લાભાર્થી છે તેમના પરિવારમાં કોઈને હોસ્પિટલની જરૂર પડે તો લાભ મળે જ નહીં.