સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (12:41 IST)

હાર્દિક પટેલથી ઉભા થયેલા રોષને ઠારવા કોંગ્રેસ તેના વરિષ્ઠ નેતાઓને ટીકિટો આપશે

ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને બેસાડી દીધા બાદ ઘણાં વરિષ્ઠ આગેવાનોમાં રોષ ભભૂકી ગયો છે. હવે આ રોષને ઠારવા માટે ગુજરાત કોંગ્રેસ કેટલાંક વરિષ્ઠ નેતાઓને પેટાચૂંટણીમાં ટિકિટો આપી વિધાનસભામાં મોકલી શકે છે. જેમાં હાલ કરજણ બેઠક પર સિદ્ધાર્થ પટેલ અને અબડાસા બેઠક પર અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી જીતાડવા તેવું સમીકરણ રચાઇ રહ્યું છે. ગુજરાત સરકાર અને ભાજપ આઠ બેઠક પરની પેટાચૂંટણી જીતવા માટે તમામ પાવર લગાવી દેશે એટલે બધી બેઠકો કોંગ્રેસને મળે તેવું નથી. પરંતુ જો આવા સિનિયર આગેવાનોને બે કે ત્રણ બેઠકો પર ચૂંટણી લડાવી તમામ તાકાત ત્યાં લગાવાય તો તેઓ આવી બેઠકો જીતી શકે છે. વળી મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ ઉમેદવાર તરીકે આવે તો પક્ષમાં ખેંચતાણ ઓછી થાય અને તેઓ વિધાનસભામાં જઇ શકે છે.હાલ કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટી ગયું છે, ત્યારે સિનિયર નેતાઓ ચૂંટાઇને જાય તો વિપક્ષનું પ્રતિનિધિત્વ મજબૂત થઇ શકે અને ચર્ચાઓમાં શાસક પક્ષને હાવિ થતા રોકી શકે છે. જો કે બાકીની બેઠકો પર ઉમેદવારના ચયનની પ્રક્રિયા હજુ ચાલું છે, પરંતુ કોંગ્રેસ ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરે પછી જ ઉમેદવારની જાહેરાત કરશે. પેટાચૂંટણી,મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખામાં બે જ નેતાઓ પદાધિકારીઓ છે,એક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને બીજા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ! 10 મહિનાથી પ્રદેશ કોંગ્રેસના માળખાને વિખેરી નાખ્યા પછી નવી નિમણૂંક કરાઇ નથી.