હાર્દિક પટેલની માગંણીઓને સમર્થન આપવા માટેના ઠરાવને લીલીઝંડી
ઊંઝામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રવિવારે મળેલી જનરલમાં હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપવા માટેના ઠરાવને લીલીઝંડી આપવાની સાથે સાથે પાટીદારોને અનામત માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી છ જેટલી અરજીઓમાં વકીલોના ખર્ચથી લઈને થનાર કાર્યવાહીમાં સહયોગી થવાનું જાહેર કર્યું છે. આ ઉપરાતં હરિદ્વારની જેમ અંબાજી ખાતે પાંચેક કરોડના ખર્ચે નવું વિશ્રાંતિગૃહ બનાવવા કાર્યવાહી શરૂ કરી છે.
ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના પટાંગણમાં સંસ્થાનની જનરલમાં આજે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારોએ ભાગ લીધો હતો. એજન્ડા મુજબની કાર્યવાહીમાં હાર્દિક પટેલની અનામત તથા દેવામાફીની માગણીઓ બાબતે ઠરાવ કરી સરકારમાં રજુઆત કરવા સંદર્ભે વિશેષ ચર્ચાઓ થઈ હતી અને જનરલે તે બાબતના ઠરાવ માટે બહાલી આપી હતી. આ પ્રસંગે સંસ્થાનના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાન સંગઠન ઉપર વિશેષ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. પાટીદાર સમાજના સંગઠન ઉપર અગાઉ પણ છેલ્લા છ મહિનાથી બંધારણીય રીતે અનામત કેવી રીતે મળે તે માટે સુપ્રીમ કોર્ટમા થયેલી અરજીઓ અને તેના વકીલો સહિત થનાર ખર્ચ માટે અભ્યાસ કરી ઉમિયા માતાજી સંસ્થાન અન્ય પાટીદાર સંસ્થાઓ સાથે સંકલન કરી સહયોગી બની છે. તાજેતરમાં બે નવી થયેલી જાહેર હિતની અરજીઓ સંદર્ભે પણ ઉમિયા માતાજી સંસ્થાએ તમામ સહયોગ કરેલ છે. બીજી તરફ હરિદ્વાર ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ ગેસ્ટહાઉસની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી નવા પ્રોજેક્ટ સંદર્ભે સંસ્થાનના મંત્રી દિલીપભાઈ પટેલ(નેતાજી)એ જણાવ્યું છે કે અંબાજી ખાતે જર્જરિત થયેલ ધર્મશાળાને સ્થાને અંદાજે પાંચેક કરોડના ખર્ચે નવીન બિલ્ડીંગનું નિર્માણ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.