1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (12:33 IST)

ચારેબાજુ નારાજગી છતાં હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે

પાટીદાર અનામત આંદોલનનો કન્વીનર હાર્દિક પટેલ રાજનીતિમાં આવશે તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરતા જ હાર્દિકે પણ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 12 માર્ચે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. ત્યારે આજે 12 માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. 
કોંગ્રેસના અન્ય નેતાઓને કોરાણે મૂકીને હાર્દિક પટેલે બારોબાર ટ્વિટર પર જોડાવાની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો હતો. હાર્દિક પટેલે જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલે પણ રાજીવ સાતવ સાથે બેઠક કરી હતી. તો બીજી તરફ, હાલ રાજીવ સાતવ કોંગ્રેસમાં થઈ રહેલા ડેમેજ કન્ટ્રોલને સંભાળવાની તૈયારી કરી રહ્યા છે. 
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવવા મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું હતું કે, હાર્દિક જો કોંગ્રેસમાં જોડાશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે. હાર્દિક પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા નેતા બનવા જઇ રહ્યો છે. હાર્દિકને પાટીદાર સમાજના વિરોધનો સામનો કરવો પડશે. હાર્દિક કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડશે તો સમાજના વિરોધનો સામનો કરવો પડશે. પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં સમાજ વોટથી જવાબ આપશે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, આ નારાજગી બાદ હાર્દિક પટેલ કેવી રીતે કોંગ્રેસમાં જોડાય છે.