ગુજરાતના 8 જિલ્લામાં ગરમીનો કહેર, યલો અને ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી, જાણો ક્યારે મળશે રાહત?
ગુજરાતમાં કમોસમી વરસાદે એપ્રિલની શરૂઆતમાં ગરમીમાંથી થોડી રાહત આપી હતી, ત્યારે હવે જેમ જેમ એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ધીમે ધીમે ગરમી વધવા લાગી છે. ગઈકાલથી રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 11 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે.ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની અપેક્ષા છે. આ સિવાય 10મીથી 13મી એપ્રિલ સુધી ભારે પવનની શક્યતા છે.
હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. આ સિઝનનું સૌથી વધુ તાપમાન ભુજમાં 44.5 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના 10 જિલ્લાઓમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. કચ્છમાં ગરમીનું એલર્ટ છે, જ્યારે રાજકોટમાં યલો એલર્ટ છે. અમદાવાદમાં તાપમાન 41.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 41.0 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં 42.1 ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 39.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં 40.4 ડિગ્રી, કંડલામાં 42.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 33.4 અને રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 40.7 અને મહુવામાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.