ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (09:32 IST)

શનિવારે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં 59 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છુટોછવાયો અને ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ફરીવાર ચોમાસાના બીજા 
રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યાં છે. શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે 
ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે. 
 
શુક્રવારે સોરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે
હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ શુક્રવારે સોરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. શનિવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદ 
પડવાની આગાહી છે. તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.મંગળવારે રાત્રિના 12 
વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, 
આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.
 
24 કલાકમાં 184 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કપરાડા, માતર, વસો, નડિયાદ, પોશિના, મહેમદાવાદમાં 3થી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત હાલોલ, અમિરગઢ, ખેડા, વિજયનગર, કડાણામાં બેથી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 20 ઈંચ વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 104.09, ઉત્તર ગુજરાતમાં 35.22, મધ્યગુજરાતમાં 50.01, સૌરાષ્ટ્રમાં 58.05 અને દક્ષિણ ગુજરાતમા 75.11 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં 59 ટકા વરસાદ વરસ્યો છે. 
 
રાજ્યમાં હાલ કુલ સરેરાશ 59 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં હાલ કુલ સરેરાશ 59ટકા વરસાદ નોંધાયો છે. જેમાં 237 તાલુકાઓમાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેના પરિણામે રાજ્યમાં હાલ કુલ 55.41 લાખ હેક્ટરમાં 
વાવેતર થયું છે.  રાજ્યના 30 જળાશયો 100 ટકા ભરાયા છે જ્યારે 207 જળાશયોમાં 54 ટકા પાણીનો સંગ્રહ છે.વરસાદને કારણે પુરની સ્થિતિ વાળા વિસ્તારોમાંથી 60 હજારથી વઘુ 
લોકોને સલામત સ્થળે ખસેડીને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત અન્ય જગ્યાએ ફસાયેલા 1513 જેટલા નાગરીકોને NDRF તથા SDRFની ટીમો સાથે સંકલનમાં 
રહીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત રાજ્ચમાં કુલ 14642 બસોના રૂટમાં જે બંધ કરવામાં આવ્યા હતાં તે તમામ રૂટ ફરીવાર શરૂ કરી દેવાયાં છે. રાજ્યના 18 હજાર ગામૌ 
પૈકી માત્ર એક ટકા ગામમાં વીજળી બંધ હતી તે તમામ ગામોમાં વીજળી ફરીવાર ચાલુ કરી દેવામાં આવી છે.