શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 જૂન 2019 (11:52 IST)

વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ, આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો ટળી ગયો હોય એવું લાગે છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા પર નહીં ટકરાય પરંતુ ત્યાંથી માત્ર પસાર થઈને નીકળી જશે. આ સાથે તેઓએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
 
વાયુ વાવાઝોડના કારણે ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો હવે વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પણ આગામી 48 કલાક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાને કારણે 135 કિમી/કલાકથી 145 કિમી/કલાકની ઝડપથી લઈ 175 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
આગામી 2 દિવસમાં વેરાવળ અને ઓખામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન એજન્સીએ કરી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
 
અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જાફરાબાદ સહિતમાં દરિયાઇ વિસ્તારોમાં મોડી રાતથી પવન અને વરસાદ છે. આ ઉપરાંત અમરેલી, બગસરા, બાબરા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે કંડલા પોર્ટમાં વહેલી સવારથી પવનની ગતી વધી રહી છે.
 
વાયુ વાવાઝોડાનો ખતરો હજી ગુજરાત પરથી ટળ્યો નથી અને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શીને આગળ વધશે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમિટર અને પોરબંદરથી 150 કિલોમિટર દૂર છે.
 
સૌ પ્રથમ વાવાઝોડું ગુજરાતના મહુવા અને વેરાવળ વચ્ચે ત્રાટકવાનું હતું, જે બાદ તેની દિશામાં ફેરફાર થયો અને તે વેરાવળ તથા દ્વારકાના દરિયાકિનારે ત્રાટકવાનું હતું. જોકે, તેની દિશા વધારે ફંટાતા હવે તે માત્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જ સ્પર્શ કરશે.
 
પોરબંદરના દરિયાકાંઠે સવારથી ઊંચાં મોજાં ઊછળતાં જોવાં મળ્યાં હતાં. 
 
વાવાઝોડાની દિશા પલટાઈ છે પણ હજી ખતરો ટળ્યો નથી. આજે બપોર સુધીમાં પોરબંદર, વેરાવળ પાસેથી વાવાઝોડું પસાર થશે. વાવાઝોડાની દિશા બદલાઈ એ પછી રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે સરકાર હજી પણ એટલી જ ઍલર્ટ રહીને કામ કરી રહી છે. લોકોએ હજી પણ સુરક્ષિત વિસ્તારમાં જ રહેવું જોઈએ