શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :અમદાવાદ , સોમવાર, 13 મે 2024 (19:10 IST)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

rain  in gujarat
rain in gujarat
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ક્યાંક મધ્યમ તો ક્યાંક કરા સાથે ભારે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અનેક શહેરોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે. 

કપરાડા તાલુકાના કેટલાં ગામોમાં ભારે નુકસાન
હવામાન વિભાગે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. જે આગાહી મુજબ આજરોજ ભાવનગર શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથોસાથ વાદળો ઘેરાયાં હતાં. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા કરકોલિયા, ટાણા, બુઢણા સહિત અનેક ગામડાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા. તો ક્યાંક નદીઓ વહેતી થઇ હતી. આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા છાપરાનાં નળિયાં પણ ઊડ્યાં હતાં. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા તેમજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. આશ્રમ શાળામાં પણ ભારે નુકસાન સર્જાયું હતું બપોરે આવેલા પવન સાથે વરસાદે કપરાડા તાલુકાના કેટલાં ગામોમાં ભારે નુકસાન સર્જ્યું છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં બપોર બાદ અચાનક આવ્યો પલટો આવ્યો હતો. 

 
શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયું
બોટાદ શહેરમાં કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. જોરદાર પવનના કારણે ખસ રોડ પર આવેલા ડિસ્ટ્રીક્ટ કોર્ટના પાર્કિંગનો શેડ પવનમાં ઉડ્યો હતો. સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા હતા.અરવલ્લી જિલ્લાના શામળાજી સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયું હતું. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. વરસડા ગામમાં મીની વાવાઝોડો જેવા દૃશ્યો સર્જાયા હતા. ભારે પવન ફુંકાતા કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા અને શુભ પ્રસંગ અર્થે બાંધેલો મંડપ ઉડ્યો હતો. ગાંધીનગરના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. શહેરના વાવોલ વિસ્તારમાં તો ધૂળની એટલી ડમરીઓ ઉડી હતી. 
 
કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી
કમોસમી વરસાદી માહોલ સર્જાતા બાગાયત ખેતી આંબા, ચીકુ, લીંબુ સહિતનાં ફળફળાદિને વ્યાપક નુકસાન થવાની ભીતિ પ્રબળ બની રહી છે. વાતાવરણના અણધાર્યા પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી લોકો આકરા તાપ અને ગરમ લૂથી પરેશાન થયા હોઇ આ વાતાવરણના પલટાને કારણે થોડી ઘણી રાહત થવા પામી છે. કમોસમી વરસાદ પડવાથી કેરીના તૈયાર પાકને નુકશાની થવાની શકયતા દેખાઈ રહી છે. ખેડૂતોએ આંબાવાડીમાં તાત્કાલિક અસરથી તૈયાર થયેલી કેરી બેડી નજીકના બજારમાં વેચાણ માટે લઈ જવી, અથવા તો વરસાદથી બચાવવા પૂરતા પ્રયાસો કરવા જોઈએ, જે આંબા વાડીમાં કેરી નાની છે. તેમાં ટેકાઓ મૂકીને કેરીને વાવાઝોડામાં કેરી ખરતા બચાવવી જોઈએ.