1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (15:10 IST)

હેલ્મેટ પહેરવાની તૈયારી રાખજોઃ રૂપાણીએ ફરીવાર સંકેત આપ્યા

નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ પહેરવામાંથી આપવામાં આવેલી મુક્તિ થોડા સમયમાં પાછી ખેંચવામાં આવી શકે છે. આ મામલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે ખુલાસો કર્યો છે કે, 'હેલ્મેટનો કાયદો રદ નથી કર્યો, તેને સ્થગિત કરવામાં આવ્યો છે.' સીએમના આવા નિવેદન બાદ ફરીથી લોકોમાં હેલ્મેટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, જે તે સમયે હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરતી વખતે પણ વાહનવ્યવહાર મંત્રીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે આ કાયદો સ્થિગિત કરવામાં આવી રહ્યો છે.
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ પહેરવામાં મુક્તિ આપવાની સરકારની જાહેરાત અંગે તાજેતરમાં રૉડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ પાસે ખુલાસો પૂછ્યો છે. આ મામલે પ્રતિક્રિયા આપતા વિજય રૂપાણીએ હેલ્મેટનો કાયદો સ્થિગિત કર્યાનો ખુલાસો કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે આ અંગેનો યોગ્ય ખુલાસો ચીફ સેક્રેટરી તરફથી મોકલી દેવામાં આવશે.
ચોથી ડિસેમ્બર, 2019ના રોજ કેબિનેટ બેઠક બાદ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી હતી. કેબિનેટ મંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર અને વાહનવ્યવહાર મંત્રાલયનો એવો મત હતો કે અકસ્માતનાં કેસમાં માથામાં ઇજાને કારણે સૌથી વધારે લોકોનાં મોત થતા હોય છે. આપણે કિંમતી માનવધન ગુમાવવું ન પડે તે માટે હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય લેવાયો હતો. આ મામલે સરકારને તમામ શહેરોમાંથી અને સોશિયલ મીડિયા પર ઉગ્ર રજુઆતો મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોની ખૂબ નારાજગી જોવા મળી હતી. આથી સરકાર હેલ્મેટ મરજિયાત કરવા અંગે વિચારવા મજબૂર બની હતી.
સરકારની જાહેરાત પ્રમાણે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. જોકે, રાજ્યના ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને પંચાયતના માર્ગો પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ મરજિયાત કરવા અંગે મંત્રીનું કહેવું હતું કે, શહેરી વિસ્તારોમાં એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર ઓછું હોય છે. આથી અહીં હેલ્મેટ ફરજિયાતની જરૂર લાગતી નથી. સરકાર વતી હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરતા મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, અમને લોકો તરફથી એવી દલીલો મળી રહી હતી શાકભાજી લેવા જઈએ ત્યારે હેલ્મેટ ક્યાં રાખીએ? સ્મશાનયાત્રામાં જતાં ડાઘુઓએ પણ હેલ્મેટ ક્યાં મૂકવું? નવા કાયદા પ્રમાણે જો હેલ્મેટ ન પહેર્યું હોય તો ટુ વ્હીલરનાં ચાલકોને 500 રૂપિયાનો દંડ થતો હતો. દંડમાં અનેક ગણા વધારાને કારણે લોકોએ અવારનવાર રજૂવાતો અને વિરોધ પ્રદર્શન પણ કર્યાં હતાં.