કેબિનેટ મંત્રી વસાવા સામે અપ્રમાણસર મિલકત અંગે એસીબીને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ
ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા વિરૂદ્ધ Rs 77 કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિના મામલે થયેલી અરજી ધ્યાને લઇ એન્ટી કરપ્શન બ્યૂરોને તાકીદે કાર્યવાહી કરવાનો આદેશ હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. દેસાઇએ આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશથી ગણપત વસાવાને મોટો ફટકો પડ્યો છે. હાઇકોર્ટે આ સમગ્ર મામલે ચોથી મેના રોજ આદેશ કર્યો હતો. જે અંગેની જાણ ACBના ડિરેક્ટરને 28મી મેના રોજ કરી દેવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ મામલે કોઇ પ્રગતિ થઇ ન હોવાનો આક્ષેપ મૂળ ફરિયાદી પૂર્વ IAS જગતસિંહ વસાવા દ્વારા કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અરજદાર પૂર્વ IAS જગતસિંહે એન્ટી કરપ્શન બ્યૂરોમાં 24મી માર્ચ 2018ના રોજ એક અરજી કરી હતી. જેમાં મંત્રી ગણપતસિંહ વસાવા અને અન્યો વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની ધારા મુજબ ગૂનો દાખલ કરી કાર્યવાહી કરવાની માગ કરી હતી. પરંતુ આ અરજીને ધ્યાને લેવામાં આવી નહોતી. તેથી જગતસિંહે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમના એડવોકેટ અંકિત પંડ્યાના જણાવ્યા મુજબ ગણપતભાઇ વસાવા વિરૂદ્ધ ACBમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. સમગ્ર વિવાદમાં કોગ્નિઝેબલ ગુનો બનતો હોવા છતાંય ACB દ્વારા ફરિયાદ લઇને કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેથી ફરિયાદ લઇને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે 24મી માર્ચના રોજ કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં લઇ કાયદા મુજબની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. આ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ ગણપત વસાવાના વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણી માટેના સોગંદનામાનું મૂલ્યાંકન કરતાં તેમની સંપત્તિ તેમની આવક કરતાં અનેક ગણી (અંદાજિત Rs 77 કરોડ) વધુ હોવાનું જણાય છે. ઉપરાંત, તેમના આ ગુનામાં મદદગારી કરવા બદલ તેમના પત્ની નિલમબેન વસાવા તેમજ કોસંબા તા. માંગરોળ ખાતે રહેતા રાકેશ સોલંકી અને ગાંધીનગર ખાતે રહેતાં કનૈયાલાલ દેસાઇ સામે પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઇઓ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઇએ એસીબી સમક્ષની અરજીમાં જગતસિંહ વસાવા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુજબ ગણપત વસાવાની કુલ સ્થાવર મિલકત Rs 11,04,96,660 અને જંગમ મિલકતો Rs 67,12,37,184 હોવાનું જણાવવામાં આવ્યું છે. તેની સામે ખર્ચ Rs 81,02,098 બતાવ્યો છે. તેથી કુલ 78,98,35,942 કરોડ જેટલી મિલકતની રહે છે. જ્યારે કે તેમની આવક Rs 1,82,87,808 છે. તેને બાદ કરવામાં આવે તો તેમની કુલ આવકથી વધુની સંપત્તિ(સ્થાવર-જંગમ) Rs 77,15,48,134 જેટલી થાય છે. જેમાં સ્થાવર મિલકતમાં Rs 69 લાખના ભરૂચ ખાતે જમીનના પ્લોટો, સુરત જિલ્લામાં Rs 22 લાખથી વધુની બીન ખેતીની જમીન(પેટ્રોલપંપ), પત્નીના નામે ભરૂચ જિલ્લામાં Rs 79 લાખની ખેતીની જમીન, ભરૂચ ખાતે પત્નીના નામે Rs એક કરોડની ખેતીની જમીન, સુરત ખાતે Rs બે કરોડનો સૂર્ય પ્રકાશમાં ફ્લેટ, અંકલેશ્વર GIDCમાં છ કરોડનો બંગલો વગેરે મળીને કુલ Rs 11 કરોડથી વધુની મિલકતો હોવાનો દાવો કરાયો છે. એવી જ રીતે જંગમ મિલકતોમાં સુરતમાં Rs 10 કરોડ કલા મંદિર જ્વેલર્સની ભાગીદારીની દુકાન, કોસંબામાં Rs 50 કરોડ પત્નીની પાર્ટનરશિપમાં કલા મંદિર જ્વેલર્સ, તક્ષશીલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં Rs બે કરોડનું રોકાણ, નાનસિંગભાઇ વસાવાના નામે Rs એક કરોડનું રોકાણ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે, અરજદાર જગતસિંહ વસાવા માંગરોળ વિધાનસભા બેઠક ઉપર મારી સામે ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને ત્રણેય વખત ડિપોઝીટ ગુમાવી ચુક્યા છે, પરંતુ કોંગ્રેસના એજન્ટ બનીને હવે રાજકીય લાભ લેવા માટે વાહીયાત અને પાયાવિહોણા આરોપો મૂકી રહ્યા છે.