રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (13:36 IST)

હાઈકોર્ટે વડોદરાની ઘટના અંગેના અહેવાલ મંગાવ્યા, સ્કૂલના આચાર્યને ગાંધીનગરનું તેડું

High Court seeks report on Vadodara incident
હાઈકોર્ટને સુઓમોટો દાખલ કરવા વકીલ એસોસિએશનની રજૂઆત 
 
વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનામાં 14 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. શિક્ષકો સહિત નાના ભૂલકાંઓ તળાવમાં ડૂબી જવાની ઘટનાના પડઘા હવે હાઈકોર્ટમાં પડ્યાં છે. એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને સમગ્ર ઘટનામાં સુઓમોટો લેવા માટે વિનંતી કરવામાં આવી છે.હાઈકોર્ટે એસોસિએશનને અહેવાલ રજૂ કરવા કહ્યું છે. કોર્ટ સમાચારપત્રોમાં આવેલા અહેવાલો પણ રજૂ કરવાનો હૂકમ કર્યો છે. 
 
કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.
 
આ ઘટનામાં કુલ 14 લોકોના મૃત્યુ થયા છે
ગઈકાલે વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી હતી. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6નાં બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયાં હતાં. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મૃત્યુ થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.