1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Historic tree plantation drive on July 12

અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ઐતિહાસિક વૃક્ષારોપણ: 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

Amit Shah to lead the plantation
Amit Shah to lead the plantation
દેશ અને દુનિયામાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અને શહેરીકરણના કારણે પર્યાવરણ પર ગંભીર અસરો થઈ રહી છે. આ પ્રદૂષણ સામે લડવા માટે એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ હોવાથી, ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ૧૨ જુલાઈના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં એક વિશાળ અને ઐતિહાસિક વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવાઈ છે.

12  જુલાઈના રોજ એક કરોડ વૃક્ષો વાવવાનો ભવ્ય લક્ષ્યાંક

અમદાવાદના મેયર હિતેશ બારોટે આ મહાઅભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હરિયાળી લોકસભા ગાંધીનગર અભિયાન હેઠળ ૧૨ જુલાઈના રોજ એક જ દિવસમાં એક કરોડ જેટલા વૃક્ષો વાવવાનો ભવ્ય લક્ષ્યાંક નક્કી કરાયો છે. માત્ર વૃક્ષો વાવવા જ નહીં, પરંતુ દરેક કાર્યકર્તાથી લઈને નેતાઓને તે વૃક્ષ મોટું થાય ત્યાં સુધી તેની સારસંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, છેલ્લા ૪ વર્ષમાં તૈયાર કરાયેલા 100 થી વધુ ઓક્સિજન પાર્ક પણ આ પ્રસંગે ખુલ્લા મુકવામાં આવશે.
 

ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ જેવી ધાર્મિક સંસ્થાઓ, વિવિધ NGO અને બિલ્ડરો આગળ આવ્યા છે અને તેમણે વૃક્ષોના ઉછેરની જવાબદારી સ્વીકારી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા કલેક્ટરના સરકારી પ્લોટ, ગૌચરની જમીનો તેમજ અન્ય તમામ ખાલી પડેલા પ્લોટોની ઓળખ કરીને તે તમામ જગ્યાઓ પર મોટા પાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
 

ગ્રીન કવરમાં 11.25  ટકાનો નોંધપાત્ર વધારો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ષ 2019 થી ગાંધીનગર લોકસભા વિસ્તારને ગ્રીન ઝોન બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અવિરત વૃક્ષારોપણ અભિયાનના સકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારના કુલ ગ્રીન કવર (હરિયાળી)માં 11.25 ટકા જેટલો મોટો અને નોંધપાત્ર વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ અંદાજિત 400 જેટલા પ્લોટ પસંદ કરાયા છે, જેમાં માત્ર અમદાવાદના જ 38  પ્લોટ સામેલ છે.
 

લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષો વાવવા અને યુવાનોને જોડવા અપીલ

અમિત શાહ દ્વારા લોકસભા વિસ્તારની તમામ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સોસાયટીમાં ઓછામાં ઓછા 11 અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા 50 વૃક્ષો વાવે. ખાસ કરીને વધુ ઓક્સિજન આપતા અને લાંબુ આયુષ્ય ધરાવતા વડ, પીપળો, લીમડો, જાંબુ અને બોરસલી જેવા વૃક્ષો રોપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે પર્યાવરણની જાળવણીના આ કાર્યમાં દેશની ભાવી પેઢી એટલે કે યુવાનોને વધુમાં વધુ જોડવા વિનંતી કરાઈ છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોર-ટુ-ડોર જનજાગૃતિ અભિયાન

વૃક્ષારોપણમાં સામાન્ય નાગરિકો સરળતાથી ભાગ લઈ શકે તે માટે એક ખાસ વેબસાઈટ (https://www.gandhinagarloksabha.in) શરૂ કરવામાં આવી છે, જ્યાં લોકો પોતાના વિસ્તારની વિગતો સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. બીજી તરફ, ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં ચૂંટણીની જેમ જ 'ડોર-ટુ-ડોર' જઈને લોકોના ઘરે-ઘરે વૃક્ષ વાવવા માટે સમજાવટ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
 

'TreeCare' એપ્લિકેશન દ્વારા ટેકનોલોજી આધારિત મોનિટરિંગ

વાવેલા વૃક્ષો સુકાઈ ન જાય અને તેમનો યોગ્ય વિકાસ થાય તે માટે 'TreeCare' મેનેજમેન્ટ ડેશબોર્ડ અને એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા દરેક વૃક્ષને RFID કોડ આપી તેનું ભૌગોલિક સ્થાન (GPS location), ઊંચાઈ અને ફોટો અપલોડ કરાશે. આ એપના મેઇન્ટેનન્સ લોગ દ્વારા વૃક્ષને પાણી પાવા, ખાતર નાખવા કે પેસ્ટ કંટ્રોલ જેવી કામગીરીનું ડિજિટલ ટ્રેકિંગ થશે, તેમજ ડિજિટલ મેપ પર વૃક્ષોના સ્વાસ્થ્યનું 'ઉત્તમ', 'સારું' કે 'મધ્યમ' એ રીતે રેટિંગ પણ જોઈ શકાશે.
 
મુખ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન: સાણંદના મખિયાવ ગામ નજીક સૌથી વધુ 10 લાખ, સરખેજના મકતમપુરામાં 8.50  લાખ, ગાંધીનગરના પીપળજ પાસે 6 લાખ, સાયન્સ સિટીમાં 4  લાખ તેમજ સાબરમતી રેલવે કોલોની, કલોલ અને ગોતામાં હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે.
About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો