બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:53 IST)

પત્નીની મોંઘી માગણીઓને સંતોષવા પતિએ દેશભરમાં 40થી વધુ ચેન-સ્નેચિંગ અને વાહનચોરી કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તાજેતરમાં રીઢા ચેન-સ્નેચરને પકડ્યો હતો. 26 વર્ષીય ચેન-સ્નેચરે પૂછપરછમાં કહ્યું હતું કે તે તેની પત્નીને લક્ઝુરિયસ જીવન આપવા ચેન-સ્નેચિંગ, વાહનચોરીનો સહારો લેતો હતો. 2016થી અત્યારસુધીમાં તેણે અમદાવાદમાં 21, સુરતમાં 11, ખેડામાં એક, હૈદરાબાદમાં 7, બેંગલુરુમાં 4 મળી કુલ 43 ગુના આચર્યા હતા.

તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એસજી હાઈવે પર પારસનગરથી લખુડી વસાહત પાસે ચોરીના એક્ટિવા સાથે ઉમેશ ખટિક (ઉં.26)ને ઝડપી લીધો હતો. આરોપી ઉમેશ નારોલ પોલીસના જાપતામાંથી ફરાર હતો, જેની ગુનામાં ધરપકડ કરાઈ હતી. તેણે પૂછપરછમાં કહ્યું હતું કે પત્નીને લક્ઝુરિયસ જીવન આપવા ચેન-સ્નેચિંગને રવાડે ચડ્યો હતો, જેની શરૂઆત તેણે 2016માં વાહનચોરી, ચેન-સ્નેચિંગથી કરી હતી.ઉમેશ ખટિક સામે સોલા, ગુજ. યુનિવર્સિટી, ચાંદખેડા, વાડજ, ઘાટલોડિયા, આનંદનગર, નારોલ, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કુલ 21 ગુના છે, જ્યારે સુરતમાં 11 અને ખેડાના માતર પોલીસ સ્ટેશનમાં એક ગુનો, હૈદરાબાદમાં 7, બેંગલુરુમાં 4 ગુના નોંધાયા છે.

ઉમેશ તેની પત્નીને ખરીદી કરાવવા અને પર્યટન સ્થળે ફેરવવા માટે ચોરીના રવાડે ચડ્યા બાદ ચેન-સ્નેચિંગ માટે અમદાવાદથી બેંગલુરુ વિમાન માર્ગે જતો અને ત્યાં બાઈકચોરી કરી ચેન-સ્નેચિંગ કર્યા બાદ ટ્રેન મારફત અમદાવાદ પરત આવતો હતો. તેણે હૈદરાબાદ, બેંગલુરુ વચ્ચે વિમાન મુસાફરી કરી ચેન-સ્નેચિંગના ગુના આચર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.પીઆઈ એન.આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ઉમેશ દોઢ મહિના પહેલાં પોલીસના જાપતામાંથી નાસી છૂટ્યો હતો. આ દરમિયાન તે અમદાવાદથી બહારગામ જતી કોઈપણ બસમાં બેસી જતો, સવારે જાહેર શૌચાલયમાં ફ્રેશ થઈ ગુનાને અંજામ આપતો અને ત્યાર બાદ પાછો બસમાં બેસી જતો હતો.