શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (09:13 IST)

અમદાવાદમાં પતિએ 'દહેજના રૂ.10 લાખ ના લાવી તો તારા બિભત્સ ફોટા વાઈરલ કરી દઈશ' કહી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

-મેઘાણીનગરમાં રહેતી મહિલાના 2004માં લગ્ન થયા હતા
 
અમદાવાદમાં દહેજ ભુખ્યા પતિ સહીત સાસરીયાઓના ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણિતાને દહેજ પેટે રૂ.10 લાખની માંગણી કરી પતિ મારઝુડ કરતો એટલું જ નહીં પૈસા લઈને નહીં આવવા પર બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપીને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી કંટાળીને પરિણીતા તેના પિયરમાં રહેવા જતી રહી હતી. બાદમાં તેણે મેઘણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરીયાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
 
મેધાણીનગરમાં રહેતી 38 વર્ષીય મહિલાના લગ્ન 2004માં થયા હતા. લગ્ન બાદ મહિલા તેના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી. લગ્ન જીવનમાં એક દિકરા અને એક દિકરીને જન્મ આપ્યો હતો. જો કે લગ્નના બે વર્ષ સુધી મહિલાને સારી રીતે રાખી બાદમાં સાસરીયા શારિરીક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી વર્ષ 2013માં મહિલાએ સાબરકાંઠા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહીત સાસરીયાઓ વિરુદ્ધમાં ફરીયાદ કરી હતી. બાદમાં વર્ષ 2015માં સમાધાન પણ થઇ ગયુ હતુ અને મહિલા તેના બાળકોને  લઈ પર સાસરીમાં રહેવા પણ લાગી હતી. 
 
જો કે એકાદ વર્ષ સુધી પતિ સહીત સાસરીયાઓએ મહિલાને સારી રીતે રાખી હતી બાદમાં ફરીથી નાની નાની બાબતે ઝઘડો કરી મારઝુડ કરવાનું શરૂ કરી દીધુ હતું. એટલુ જ નહીં પતિ અવાર નવાર દસ લાખ પેટે દહેજ લાવવાની માંગણી કરતો હતો અને જો મહિલા દહેજ પેટે પૈસા આપવાની ના પાડે તો પતિ મારઝુડ કરી બિભત્સ ગાળો આપતો હતો. એટલું જ નહીં સાસુ સહીતના સાસરીયાઓ પતિને ચઠામણી પણ કરતા હતા. 
 
એક દિવસ પતિએ દહેજ પેટે રૂ.10 લાખની માંગણી કરીને મહિલાને ઢોર માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મુકી હતી એટલુ જ નહીં ધમકી પણ આપી હતી કે, જો દહેજ પેટે રૂ.10 લાખ લઈને પરત નહીં આવે તો તારા બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વહેતા કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી કંટાળીને મહિલા તેના પિયરમાં રહેવા જતી રહી. બાદમાં તેણે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ સહીતના સાસરીયાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.