ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (16:22 IST)

અમદાવાદમાં હિના રેસ્ટોરન્ટમાંથી લાવેલા પનીરના શાકમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગ્રાહકે શાક ખાતા જ સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા

અમદાવાદ શહેરમાં આવેલી અનેક રેસ્ટોરન્ટમાં સફાઈ અને ગંદકીના અભાવે અમદાવાદીઓને બિન આરોગ્યપ્રદ ખાવાનું મળે છે. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી હિના રેસ્ટોરન્ટમાંથી લાવેલા પનીર ભુરજીના શાકમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. શાક ખાતા નવા વાડજ વિસ્તારમાં રહેતા પરિવારને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. હાલમાં પરિવારે આ મામલે આરોગ્ય વિભાગમાં રેસ્ટોરન્ટ સામે ફરિયાદ કરી છે અને આ મામલે કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
 
ભોગ બનેલા પરિવાર એવા નવા વાડજ વિસ્તારમાં રહેતા બાબુલાલ પરમારે જણાવ્યું હતું કે પુત્ર પાર્થિવ દિલ્હી દરવાજાની સબજી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભૂરજીનું શાક લાવ્યા હતા. પરિવારના સભ્યોએ રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા ત્યારે આ શાક ખાધું હતું. મેં અને મારા બીજા પુત્રએ ઓછું ખાધું હતું પરંતુ મારા બીજા પુત્ર પાર્થિવ અને પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીર ભુરજીની સબજીમાં કંઇક દેખાયું હતુ જે બાદ જોયું તો પહેલાં સીમલા મિરચ હોવાનું જણાયું હતુ. બાદમાં ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયું હતુ તો તે મરેલો ઉંદર હતો. પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને બાબુલાલના પત્ની અને દિકરો ગભરાઇ ગયા હતા. ગભરામણ થઇ હતી જે બાદ ઉલટીઓ અને ફૂડ પોઇઝનિંગ થતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મામલે જવાબદાર રેસ્ટોરેન્ટ માલિક સામે કડક કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગમાં ઓનલાઈન ફરિયાદ કરી છે. શહેરમાં આવેલી અનેક રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે આવા રેસ્ટોરન્ટમાં કેવું જમવાનું બને છે તેની ચકાસણી કરતા નથી જેના કારણે અનેક હોટલ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ અને મરેલા જીવજીતું નીકળે છે. હિના રેસ્ટોરન્ટ સામે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.