સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 મે 2018 (13:21 IST)

ગજબનો સાથ અને પ્રેમ, પતિએ પત્નીને જીવન બાદ મોત સમયે પણ સાથ આપ્યો

જીવનની દીર્ઘયાત્રામાં એકબીજાને સહયોગ આપી સાથ નિભાવનાર નગરાના એક સદી વિતાવી ચૂકેલા વૃદ્ધ દંપતિએ અંતિમયાત્રામાં પણ એકબીજાને સાથ આપતા ગામમાં વૃદ્ધ દંપતિની અંતિમયાત્રા વાજતેગાજતે નીકળી હતી. વૃદ્ધ દંપતિની અંતિમયાત્રા ગામમાં નીકળતા ગ્રામજનોએ અશ્રુભીની વિદાય વૃદ્ધ દંપતિને આપી હતી. ખંભાત તાલુકાના નગરા ગામમાં ચંપકભાઇ રામજીભાઇ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહેતા હતા. ચંપકભાઇની ઉંમર ૧૦૫ વર્ષની થવા જાય છે.

જ્યારે તેઓના ધર્મપત્ની કમળાબેન ચંપકભાઇ મિસ્ત્રીની ઉંમર ૧૦૨ વર્ષની છે. આ વૃદ્ધ દંપતિને ત્રણ પુત્ર અને એક પુત્રી છે. અને તેમના પૌત્ર-પૌત્રી-પ્રપૌત્ર અને પ્રપૌત્રી મળી આ વૃદ્ધ દંપતિએ પાંચ પેઢી જોઇ છે.  વટવૃક્ષ સમાન પરિવાર સાથે નગરામાં વસવાટ કરતા આ વૃદ્ધ દંપતિએ પોતાના લાંબા લગ્નજીવન દરમિયાન એકબીજાને સુખદુ:ખમાં સહકાર આપી સાથે જીવનયાત્રા માણી હતી અને રવિવારે રાત્રિના ૧૧ કલાકે કમળાબેન ચંપકભાઇ મિસ્ત્રીએ ૧૦૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં વૃદ્ધ ચંપકભાઇ રામજીભાઇ મિસ્ત્રીને ૧૦૫ વર્ષે પોતાનો સહારો ઝૂંટવાઇ જવાનો અફસોસ સાથે દુ:ખની લાગણી વ્યાપી ગઇ હતી. આ દુ:ખ તેઓ સહન નહી કરી શકતા કમળાબેનના અવસાન બાદ બે જ કલાકમાં રાત્રિના ૧ કલાકે ચંપકભાઇએ પ્રાણ ત્યાગી દીધા હતા. અને લગ્નવેદીમાં અગ્નિની સાક્ષીએ એકબીજાને અંતિમશ્વાસ સુધી સહકાર અને સાથ આપવાના આપેલ વચનો પૂરા કર્યા હતા.