બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (12:07 IST)

સરકારની નજર હેઠળ સારી બ્રાંડનો દારૂ વેચાવવો જોઇએ: શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં 8 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાઇ ગયું છે. વિપક્ષ અને શાસક પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ગયો છે. એવામાં ચૂંટણીમાં ફરીથી દારૂબંધીનો મુદ્દો ઉછળ્યો છે. આ મુદ્દો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ ઉઠાવ્યો છે. 
 
અબડાસા સીટ પરથી ભાજપે પક્ષપલટું ઉમેદવારને ટિકીટ આપી છે. કચ્છમાં સભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દારૂબંધીને લઇને નિવેદન આપ્યું હતું. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા પણ કચ્છ ગયા હતા અને તેમણે ગુજરાતમાં દારૂબંધી દૂર કરવાને લઇને નિવેદન આપ્યુ. તેમણે કહ્યું કે સરકારની સીધી નજર હેઠળ રાજ્યમાં સારી બ્રાંડનો દારૂ વેચવાની પરવાનગી આપવી જોઇએ.  
 
મળતી માહિતી અનુસાર કચ્છની અબડાસા સીટ પર પેટાચૂંટણીમાં ત્રિકોણીયો જંગ થશે. અબડાસા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામશે. અપક્ષ હનીફ જાકબ બાબા પઢિયારએ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. હનીફ જાકબ બાબા પઢિયાર ખૂબ જ લોકપ્રિય નેતા છે. તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ સોમવારે હનીફ જાકબ બાબ પઢિયારના સમર્થનમાં કચ્છમાં પ્રચાર કર્યો હતો. ત્યારે મતદારોને હનીફ જાકબના બેટના નિશાન પર મત આપીને તેમને ગાંધીનગર મોકલવાની વિનંતી કરી હતી.
 
શંકરસિંહ વાઘેલા કચ્છમાં સભાને સંબોધિત કરતાં દારૂ નીતિને લઇને કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ વેચવાના બદલે ઘણા પરિવાર બરબાદ થઇ રહ્યા છે. કચ્છની બોર્ડર ખુલી છે. જેથી યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે. સરકારે દારૂબંધીને લઇને પગલાં ભરવા જોઇએ. રાજ્યમાં સરકારની સીધી નજર હેઠળ નીતિ બનાવીને સારી બ્રાંડનો દારૂ વેચવો જોઇએ. 
 
સભા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આગામી 2022માં પ્રજા શક્તિ જનશક્તિ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે હું દારૂનું સેવન કરતો નથી, પરંતુ ગુજરાત મારો પરિવાર છે. મારો પરિવાર દારૂનું સેવન કરે છે, આ મને પસંદ નથી. પરંતુ યોગ્ય નીતિ સાથે દારૂનું વેચાણ થવું જોઇએ.