શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:18 IST)

અમે તમારુ નહીં પણ ભાજપના નેતાનું સાંભળીશું. આઈ કે જાડેજાએ ટકોર કરતાંની સાથે રસ્તો રીપેર

રાજ્યમાં લોકો ખરાબ રસ્તાઓને કારણે પરેશાન છે. આ માટે લોકો સતત તંત્ર અને અધિકારીઓ સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે. રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ થઈ રહ્યો છે ત્યારે લોકો ભારે દંડ લાદતા પહેલા રસ્તાઓ રિપેર કરવાની રજુઆતો કરી રહ્યા છે. પરંતુ ગુજરાતની ભોળી પ્રજાની ફરિયાદો સાંભળે કોણ? જોકે, બીજી હકીકત એવી પણ છે કે આ જ અધિકારીઓ જો કોઇ નેતાની ફટકાર પડે તો દોડીને કામ કરે છે. કંઈક આવું જ અમદાવાદમાં થયું છે.
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજાએ બુધવારે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ બોપલ બ્રિજથી સનાથન ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હોવાનું ટ્વિટ કર્યું. લોકોના પ્રશ્નોને વાચા આપતા તેમણે ખરાબ રસ્તા અંગે ચિંતા વ્યક્ત કરી તેમજ આ બાબતે અધિકારીઓની જવાબદારી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.


જોકે, નવાઈની વાત એ છે કે જાડેજાના ટ્વિટની કલાકોમાં જ ઔડાના અધિકારીઓ જેસીબી સહિતના મશીનો લઈને રસ્તો રિપેર કરવા માટે દોડી ગયા હતા. નેતાના ટ્વિટના કલાકમાં જ રસ્તો રિપેર કરવાની કામગીરી શરૂ થતાં જ લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે ખરેખર તેમની વાત સાંભળનાર કોઈ નથી.
ઔડાના અધિકારીઓએ રસ્તો રિપેર કરવાની કામગીરી શરૂ કર્યા બાદ બીજેપી નેતાએ ટ્વિટ કરીને ઔડાની ત્વરિત કાર્યવાહીને પ્રશંસનીય ગણાવી હતી. જે બાદમાં @jsb2402 નામના એક યૂઝરે લખ્યું છે કે, "આપે ફરિયાદ કરી તે બદલ આભાર પરંતુ કાર્યવાહી કરી તે પ્રશંસનીય નથી. જો આપે ફરિયાદ ન કરી હોત તો હજુય જનતા ખરાબ રસ્તાનો ભોગ બનતી હોત. આજે પણ આ સિવાયના ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. આ બધા રસ્તાઓ પર તમે પહોચી નહીં શકો. જનતા તકલીફનો ભોગ બનશે જે માટે ભ્રષ્ટ અધિકારીઓ જ જવાબદાર છે."