ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (12:58 IST)

દંડનો ડર! લોકો PUC કઢાવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા

મોટર વાહન એક્ટની જોગવાઇનો ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી અમલ શરૂ થઇ જશે. આ જાહેરાત વિજય રૂપાણીએ કરતા જ બુધવારે સવારથી જ વાહનચાલકોએ દંડની રકમથી બચવા નીતિનિયમો શરૂ કરી દીધા હતા. પીયુસીનો દંડ રૂ. 100ને બદલે 500 કરી દેતા સવારથી જ વાહનચાલકો પીયુસી કઢાવવા નીકળી પડ્યા હતા. 

શહેરના 400 સેન્ટર પર બમણો ધસારો જોવા મળ્યો હતો. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, પીયુસીના ધંધામાં લાલચોળ તેજી આવી ગઈ છે. નોંધનીય છે કે, જે વાહનો નવાં છે અને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તેમને પીયુસી કઢાવવાની જરૂર નથી. પરંતુ એક વર્ષ થઈ ગયું હોય તેવા વાહનોને પીયુસી કઢાવવું ફરજિયાત છે.

સુધારિત કાયદામાં, ખાસ કરીને દંડ બાબતે જે કંઈ નવી જોગવાઈઓ અમલમાં આવી છે, તેને લઈને વાહન માલિકોમાં થોડી જાગૃતિ આવી છે. અત્યાર સુધી ચાલ્યુ છે, પરંતુ હવે આવું ન ચાલે તેવું વિચારીને પણ માલિકો નીતિ-નિયમોનું પાલન કરવા માટે મજબૂર બની રહ્યાં છે. અમદાવાદ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટર વ્હીકલ એક્ટનાં કાયદાની અસરો જોવા મળી રહી છે, એમ જિલ્લામાં પીયુસી સેન્ટર ધરાવતા વિજયભાઇએ જણાવ્યું હતું. હાઇવે ઉપર દોડતાં 100માંથી 80 વાહનચાલકો પાસે હવે પીયુસી સર્ટિફિકેટ જોવા મળી રહ્યાં છે. પીયુસી કઢાવવાની ટકાવારી 40થી 50 ટકા વધી છે.

શ્યામલ ચાર રસ્તા પર પીયુસી સેન્ટર ચલાવતાં અયુબ ખાને જણાવ્યું કે, છેલ્લાં થોડા દિવસથી પીયુસી કઢાવવા માટે ધસારો ખૂબ જ વધી ગયો છે. ટૂ વ્હીલર માટે જેમણે ક્યારેય પીયુસી સર્ટિફિકેટ મેળવવાની દરકાર નહોતી કરી, એવા વાહન માલિકો પણ હવે લાઈનમાં ઊભાં રહેતાં થઈ ગયા છે. અગાઉના સમયમાં રોજેરોજ 50થી 80 જેટલાં પીયુસી સટફિકેટ નીકળતાં હતાં, આ સંખ્યા રાતોરાત વધીને 700 જેટલી થઇ ગઇ છે. 

રસ્તા પર ટ્રાફિક ન થાય તે માટે વાહન ચાલકોને ટોકન આપવામાં આવ્યા છે. કેટલાક લોકો તો લાઇનમાં ઊભા રહ્યા હતા અને સેન્ટર બંધ થતાં તેમને પરત જવું પડ્યું હતું. જે વાહનોને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે તેમણે પીયુસી કઢાવવું ફરજિયાત છે તેમ છતાં શહેરમાં મોટાભાગના લોકો પીયુસી કઢાવતા ન હતા. હાલ ટ્રાફિકના કડક નિયમો લાગુ પડતાં જ સવારથી જ પીયુસી સેન્ટરોમાં વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.