અમદાવાદમાં 4 મહિનામાં 7 હજારથી વધુ લોકોએ ટ્રાફિક નિયમ તોડી દોઢ કરોડ રૂપિયાનો દંડ ભર્યો
રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે પણ ટ્રાફિક નિયમનો ભંગ કરતા લાખો લોકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં હેલ્મેટ, નો પાર્કિગ, સીટ બેલ્ટ સહિતના નિયમ ભંગ બદલ કરોડોનો દંડ વસૂલાયા છે. અમદાવાદ છેલ્લા 4 મહિનામાં જ 7 હજારથી વધુ લોકો પાસેથી કુલ 1.30 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જેમા સૌથી વધુ દંડ હેલ્મેટ વગર વાહન ચલાવનાર પાસેથી વસૂલાયો છે.
અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ સતત વધી રહ્યો છે. છેલ્લા 4 મહિનામાં 7,659 અલગ-અલગ કેસ નોંધાયા છે. જેમા 1.30 કરોડની આસપાસ દંડ વસૂલવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જેમા 65 લાખની આસપાસ દંડ વસૂલાયો હતો. ફેબ્રુઆરીમાં 1 હજારથી વધુ કેસ અને 28 લાખની આસપાસ દંડ વસૂલાયો હતો. જ્યારે માર્ચ મહિનામાં 1700થી વધુ કેસ નોંધાયા જેમા 31 લાખની આસપાસનો દંડ વસૂલાયો છે. અમદાવાદમાં અંદાજે રોજ 5 હજારની આસપાસ લોકો ટ્રાફિક નિયમના ભંગ બદલ મોટો દંડ ભરે છે.રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
જેના કારણે ટ્રાફિક નિયમનો ભંગ પણ વધ્યો છે. ખાસ કરીને યુવાનો હેલ્મેટ વગર 3-3 સવારી બાઈકો હંકાવતા ઝડપાય છે. એક રિપોર્ટ અનુસાર ટ્રાફિક વાયોલેશનની 34 પ્રકારની કેટગરીમાં સૌથી વધુ હેલ્મેટ, નો પાર્કિંગમાં પાર્કિંગ, સીટ બેલ્ટ વગર કાર ચલાવવી સહિતના કેસ નોંધાય છે. જેના કારણે દરરોજ લોકો પાસેથી મોટો દંડ વસૂલાય છે તેમ છતા હજુ પણ નિયમ ભંગના કિસ્સા દિવસે-દિવસે વધી રહ્યા છે.સંક્રમણને અટકાવવા જાહેર સ્થળોએ, કામકાજના સ્થળે, વાહન વ્યવહાર દરમિયાન નહારા પર માસ્ક ના પહેરેલો હોય કે ચહેરો કોઇ પણ પ્રકારના કપડાંથી ઢંકાયેલો ના હોય તે વ્યક્તિઓ પાસેથી દંડ વસુલવામાં આવે છે. દર મહિને સરેરાશ રૂપિયા 20 કરોડની કમાણી સરકારને માસ્કના દંડની આવકમાંથી થઈ છે અને દર મહિને સરેરાશ 3 લાખથી વધારે કેસ કરવામાં આવે છે. ગત વર્ષે અમદાવાદ શહેરમાં સૌથી વધારે રૂપિયા 42 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં 18 કરોડ, રાજકોટ શહેરમાં 19 કરોડ જ્યારે વડોદરા શહેરમાં 120 કરોડની વસૂલાત કરવામાં આવી છે.