ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (13:40 IST)

અમદાવાદના ઘાટલોડિયામાં પફ બનાવતા કારખાનામાં ગૂંગળામણથી ત્રણનાં મોત

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ગોપાલનગર પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે.ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જતીન પટેલે જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા. કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

પોલીસ, એફએસએલ અને ફાયરની ટીમ તપાસ કરી રહી છે.પ્રાપ્ત વિગતો મુજબ, કે.કે. નગર રોડ પર ગોપાલનગર પાસે પફ બનાવવાના કારખાનામાં મોડી રાતે ત્રણેય કારીગર કારખાનાનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતા. રાતે પફ બનાવવાના ઓવનની સ્વિચ ચાલુ રહી ગઈ હતી, જેથી ગૂંગળામણને કારણે મોત થયાં હોવાની પોલીસની પ્રાથમિક જાણકારી મળી છે. ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી એફએસએલની મદદ લઇ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન કારખાનાની અંદર રહેલા હસન, ઈબ્રાહિમ તથા અસ્લમ નામની ત્રણ વ્યક્તિનાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં.