રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 એપ્રિલ 2022 (14:44 IST)

બાબરા નિલવડાના મેલડી માતાના મંદિરમા પશુ બલિ ચડાવતા લોકોમાં રોષ, ઘટના સીસીટીવીમાં કેદ

meldi mata
મંદિર સૌને માટે એક ખૂબ જ પવિત્ર સ્થાન છે. ત્યા કોઈપણ ભૂલથી પણ ચંપલ પહેરીને જતુ નથી કે જેથી ભગવાનના મંદિરમાં આપણા ચંપલની ગંદકી ન પહોંચે. છતા આવા પવિત્ર મંદિરમાં એક પશુની બલી આપવામાં આવી છે એ ખરેખર ખૂબ જ ઘૃણાસ્પદ છે. બાબરા નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22મી તારીખની રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી પશુનું ગળું કાપી બલિ ચડાવતાં લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમા પણ કેદ થઇ છે. બનાવ અંગે પોલીસે 10 શખસ સામે ગુનો નોંધ્યો છે.
 
બલિ ન ચઢાવવીના બોર્ડ પણ લગાવેલા છે 
નીલવડા રોડ પરનુ મેલડી માતાજીનું મંદિર પંચાળ પંથકની પ્રજા માટે આસ્થાનુ સ્થાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને સૌથી વધુ લોકો માનતા પૂરી કરવા આવે છે. રાજકોટના રાજેશભાઇ જેઠવાએ અહી શ્રદ્ધાળુઓ અને માનતા પૂરી કરવા આવતા લોકો માટે રોકાણ તથા રસોડાની વ્યવસ્થા કરી છે. અહી માતાજીને કોઇએ પશુ બલિ ચડાવવો નહીં તેવા બોર્ડ પણ ચારે તરફ લગાવેલા છે. એટલું જ નહી કોઇ આવું કૃત્ય ન કરે તે માટે ચારે તરફ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. આમ છતાં 22મીની મધરાતે અહી પશુ બલિની ઘટના બની હતી.
 
અડધી રાત્રે મંદિર ખોલીને પશુને લઈ જઈ બલિ ચડાવ્યો
રાજેશભાઇ જેઠવાએ આ બારામા બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તારીખ 22/4ને મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે આ શખસોએ બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચડાવ્યો હતો. મધરાતે મંદિર બંધ હતુ ત્યારે આ શખસો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ એનું ગળું કાપી બલિ ચડાવ્યો હતો.
 
સમગ્ર ઘટના CCTVમાં કેદ
સીસીટીવી ફૂટેજમા આ તમામ શખ્સોની હરકત કેદ થતા પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. આધુનિક યુગમા કેટલાક શખ્સોનો આવા કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય આવુ કૃત્ય કરનાર સામે ફિટકાર વરસી રહ્યો છે.
 
10 વર્ષ સુધીના અખંડ યજ્ઞનુ આયોજન
આસ્થાના આ કેન્દ્ર પર 10 વર્ષ સુધીના અખંડ યજ્ઞનુ આયોજન થયુ છે. સવા બે વર્ષથી અહી અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે. ચિત્રકુટના આચાર્યો અહી રોજ યજ્ઞ કરાવી રહ્યાં છે. તેની વચ્ચે આ કૃત્યથી લોકોમા રોષ છે. અહીના ઉપાસક રાજેશભાઇ જેઠવાએ જણાવ્યું હતુ કે 10 વર્ષના યજ્ઞમા કેાઇએ વિઘ્ન ન નાખવુ, બલિપ્રથા કાયદાથી પ્રતિબંધિત છે. મંદિરમા ચારે તરફ સીસીટીવી કેમેરા પણ છે. આવા કોઇ કૃત્યને સાંખી નહિ લેવાય.
 
ઉલ્લેખનીય છે કે અહી પાંચેક વર્ષ પહેલાં પણ કેટલાક લોકોએ પશુ બલી ચડાવી હતી. જોકે એ સમયે મંદિરના ગર્ભગૃહમાં બલી ચડાવાઇ ન હતી. પણ થોડે દૂર આ કૃત્ય કરાયું હતું અને સ્થાનિક તંત્રએ દરોડો પાડયો હતો.
 
પોલીસે પશુ બલીની ઘટનાના આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટયા હતા. સુવાળીયા ઠાકોર સમાજના અગ્રણી સુરેશભાઇ ધાખડા અને ભરવાડ સમાજના પ્રમુખ ખોડાભાઇ રાતડીયાએ જણાવ્યું હતુ કે આ અંગે મંદિરના સંચાલકો સાથે બેઠક કરી સમાધાનનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી ન હતી.