શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 માર્ચ 2022 (14:16 IST)

અમદાવાદમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, બે લોકોનો આબાદ બચાવ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે દિવસે ને દિવસે સીએનજીનું ચલણ વધતું જાય છે. કેટલાક લોકો કંપનીમાંથી સીએનજી લગાવેલી ગાડી લે છે. તો કેટલાક બજારમાં મળતી સીએનજી કીટ લગાવે છે. આ સીએનજી કીટ પણ અલગ અલગ પ્રકારની હોય છે. ક્યારેક પૈસા બચાવવાની લ્હાયમાં લોકો સસ્તી કીટ લગાવે છે. પરંતુ આ સીએનજી કીટ ક્યારે જીવનું જોખમ બની જાય તે કહી ન શકાય. ઘણીવાર સીએનજી કીટમાં ખામી કારણે ગાડી સળગવાની ઘટના અથવા બ્લાસ્ટની ઘટના સર્જાતી હોય છે. 
 
થોડા સમય પહેલાં દિવાળી પર ભરૂચમાં પણ એક સીએનજી કારની ટેન્ક ફાટતા કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા.ત્યારે હવે અમદાવાદના શાસ્ત્રી નગર વિસ્તારમાં સીએનજી કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ઘટના દરમિયાન કારમાં બે યુવકો બેસ્યા હતા પરંતુ સદનસીબે કોઇ જનહાનિના સમાચાર નથી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. 
 
સીટીટીવીમાં જોઇ શકાય છે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક બ્લેક કલરની હોન્ડા સીટી કાર ઉભી છે અને થોડી જ સેકન્ડોમાં બ્લાસ્ટ થાય છે. જેમાં કારના ફૂરચેફૂરચા ઉડી જાય છે. બ્લાસ્ટ સમયે અંદર બે વ્યક્તિ બેસેલી હતી. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે. બ્લાસ્ટની ઘટનાના પગલે દોડધામ મચી જવા પામી હતી. 
 
શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં કાળા રંગની હોન્ડા સિટી કારમાં બ્લાસ્ટ થવાનો બનાવ બન્યો હતો. આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં રસ્તે જતી કાર ઊભી રહે છે અને સેકન્ડોના સમયમાં જ તેમાં બ્લાસ્ટ થાય છે. જેમાં કારના ફૂરચે ફૂરચા ઉડી જાય છે તથા કાચ પણ ફૂટી જાય છે. બ્લાસ્ટ સમયે અંદર બે વ્યક્તિઓ પણ બેઠેલી હોય છે. પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થાય છે. બ્લાસ્ટના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે થોડા સમય પહેલાં નર્મદા ચોકડી ઉપર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ દરમિયાન કારની ટેન્ક ફાટતા કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. ટેન્ક ફાટવાથી CNG સ્ટેશનના 50 ફૂટ ઊંચા સિલિંગના પણ ફુરચા નીકળી ગયા હતા તેમજ કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.