શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 માર્ચ 2022 (20:04 IST)

રાજ્યના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર લાવી મોટી ભેટ

રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ જીએસઆરટીસીમાં મુસાફરી અને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવે છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવે છે. જોકે, રાજ્યમાં આવા વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટી ભેટ લઈને આવી છે. રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.
 
ફ્રી એસટી બસ લેવાનો લાભ : રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવનજાવન માટે ફ્રી એસટી બસ પાસની ભેટ આપવામાં આવી છે. રાજયના વિદ્યાર્થીઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે બજેટમાં આ જોગવાઈ કરી છે.
 
શું કહ્યું વાહનવ્યવહાર મંત્રીએ?
 
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આ બજેટમાં ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓનો વિચાર કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતની વાત કરીએ તો હવે વિદ્યાર્થીની ભૂખ ઉઘડી છે. હવે દરેક વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવવા માગે છે. શહેરોના વિદ્યાર્થીને તો સુવિધા મળે છે પરંતુ ગામડાના વિદ્યાર્થીને સુવિધા મળતી નથી. આવા વિદ્યાર્થીઓ માટે ફ્રી એસટી પાસની વ્યવસ્થા કરવામાં આવશે.
 
ક્યારથી મળશે લાભ
 
રાજ્યના વિદ્યાર્થીઓને આ ફ્રી બસ પાસનો લાભ આગામી શૈક્ષણિક સત્રથી આપવામાં આવશે. આ પાસનો લાભ કેવી રીતે મળશે તેના અંગે આગામી દિવસમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા સુચારુ રીતે આગવું આયોજન કરી અને તેની જાહેરાત કરવામાં આવશે. હાલ તો આ જાહેરાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સમાન છે