શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (11:02 IST)

ગુજરાતમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત, વહેલી પરોઢે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અનુભવ

રાજ્યભરમાં બેવડી ઋુતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં દરરોજ એકથી પાંચ ડિગ્રી સુધીનો વધારો ઘટાડો થતાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યાં છે. બપોર દરમિયાન સામાન્ય ગરમી અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

વહેલી પરોઢે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જેથી હાલમા ડબલ સિઝન અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના મતે આગામી 48 કલાક બાદ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.ઉત્તર ગુજરાતમાં ઠંડી વિદાય લઇ રહી હોય તેમ રવિવારે વધુ 1 ડિગ્રી સુધી ઘટી હતી. જ્યારે ઉનાળાનું ધીમા પગલે આગમન થઇ રહ્યું હોય તેમ ગરમીમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. આ સાથે ઠંડીના ચમકારા વચ્ચે તાપમાન 12.3 થી 13.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. તેમજ ગરમીનો પારો 29.3 થી 31.1 ડિગ્રી પહોંચતાં બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક વાતાવરણની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે.હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે હજુ પણ ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કમસોમી વરસાદ કે કરા પડવાની ગતિવિધિ થતી જ રહેશે. તા. 14થી 17 ફેબ્રુઆરીમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે. જેના લીધે ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં સવારના સમયે ઠંડી રહેશે અને ઝાંકળ પણ પડી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન હજુ પણ 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ અનેક વખત બનશે.હવામાન નિષ્ણાંતોના મત મુજબ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણની શક્યતાઓને લીધે પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. અરબસાગરનો ભેદ પણ રાજ્યના ભાગોને પ્રભાવિત કરી શકે છે. આ સમયે દરિયામાં ઊંચા મોજાં ઉછળે. એપ્રિલ-મેમાં ગરમીનો દોર ચાલુ રહેતા અને દરિયામાં વારંવાર હવાના દબાણ ઊભા થતાં સમુદ્રનાં પાણીનું તાપમાન વધવાની શક્યતા રહેતા દક્ષિણના ભાગોમાં તેમજ પ્રશાંત મહાસાગરના પેરુના ભાગોમાં, દક્ષિણ આફ્રિકાના ભાગોમાં સાગરનાં પાણીમાં જળવાયુ ગરમ થતાં તેની અસર ભારત સુધીના ભાગોમાં અસર થઈ શકે છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો હવે ઘટી ગયા છે. પરંતુ શહેરમાં અન્ય રોગચાળો ખૂબ જ વધ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. જેના કારણે ઘરે-ઘરે આવે તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડના 10000થી વધુ દર્દીઓ અને મચ્છરજન્ય રોગો એવા ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મેલેરિયાના 25000થી વધુ દર્દીઓ હોવાનું બિનસત્તાવાર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.