બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (10:09 IST)

એક વર્ષમાં 25 વ્યક્તિઓના અંગદાનથી 72 લોકોને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ની ટીમે રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના એક વર્ષમાં અંગદાનની જનજાગૃતિ સાથે કામગીરીને ઉચ્ચ સ્તરે લઇ જઇ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં કુલ 25 વ્યક્તિઓના અંગદાનથી મળેલા 86 અંગો થકી 72 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. 
 
આ તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓ લાંબા સમયથી શારિરીક પીડામાંથી પસાર થઇ રહ્યા હતા. ઘણાં દર્દીઓ એવા હતા કે દિવસના 24 કલાકમાંથી 8 થી 10 કલાક હોસ્પિટલમાં પસાર કરીને કિડની અને લીવર તેમજ હ્યદયની સારવાર કરાવતા હતા. જેમને સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાન થકી મળેલા અંગોથી દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે. 
 
સિવિલ હોસ્પિટલમાં મળેલા અંગોના દાનની વિગતો જોઇએ તો અત્યાર સુધીમાં 25 વ્યક્તિઓના અંગોમાં 23 લીવર, 41 કિડની, 5 સ્વાદુપિંડ, 5 હ્યદય, 2 હાથ અને 5 જોડ ફેફસાના અંગોનું દાન મળ્યું છે. તેની સાથો સાથ 40 આંખોનું પણ દાન મેળવવામાં સફળતા મળી છે. 
 
25માં અંગદાન અંગે વાત કરીએ તો જામનગરના 44 વર્ષીય હિતેશભાઇ દાવડા સતત 3 દિવસ માથામાં અતિગંભીર દુ:ખાવાની તકલીફથી પીડાઇ રહ્યા હતા. 6 ડ઼િસેમ્બરના રોજ ઘરમાં એકાએક ઢડી પડતા જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા. ત્યાંના તબીબોને પરસ્થિતિ અતિગંભીર જણાતા હિતેશભાઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા જણાવવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે 20 મી ડિસેમ્બરના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.
 
હિતેશભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા SOTTOની ટીમ દ્વારા તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા. પરિવારજનોએ પણ અંગદાનની સંમતિ આપતા બ્રેઇનડેડ હિતેશભાઇના એપ્નીયા ટેસ્ટ કરવામાં આવ્યા. જે જરૂરી માપંડદો પ્રમાણે બંધબેસતા 22 મી ડિસેમ્બરે તેમના અંગોના દાન સ્વીકારવામાં આવ્યા. 
 
હિતેશભાઇના અંગોના દાન માટે ફેફસાની જોડમાંથી એક ફેફસું મળ્યુ. જેને પ્લાસ્ટીક સર્જરી વિભાગની ટીમ અને અંગોના રીટ્રાઇવલની ટીમ દ્વારા ભારે જહેમત ઉપાડી સફળતાપૂર્વક રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે દિલ્હી મોકલવામાં આવ્યું. જ્યારે તેમની બે કિડની અને એક લિવરને સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા.