સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (15:50 IST)

ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ એક્શનમાં, 464 FIR નોંધી 316ની ધરપકડ કરી

gujarat police
ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું છે. વ્યાજખોરીથી પીડિતા પરિવારોને બચાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે વિશેષ ડ્રાઈવ ચલાવીને પોલીસે 464 FIR દાખલ કરી છે. તે ઉપરાંત પોલીસે 316 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી સામે જાગૃતિ લાવવા માટે 939 લોકદરબારો યોજ્યા હતાં. હાલમાં ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ધકેલી કાર્યવાહી કરવામાં આવી છે. પાંચમી જાન્યુઆરીથી પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. એક પછી એક ધરપકડ બાદ વ્યાજખોરોમાં પણ ફફડાટ ફેલાયો છે. કડકમાં કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસને સૂચના આપવામાં આવી છે. પોલીસે સમગ્ર રાજ્યમાં યોજેલા લોકદરબારમાં નાગરીકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. 5થી લઈને 30 ટકા સુધીનું વ્યાજ વસૂલી રહેલા વ્યાજખોરો સામે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. ગુજરાતમાં તમામ શહેર અને નગરોમાં પોલીસ એક્શનમાં આવવાથી વ્યાજખોરો હાલમાં અંકુશમાં હોય તેવું જણાઈ રહ્યું છે.સુરતમાં શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 31 જાન્યુઆરી સુધી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે તવાઈ બોલાવી છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાં 103 ગુના નોંધીને 111 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે. જ્યારે 26 વોન્ટેડ જાહેર કરાયાં છે. અમદાવાદના દાણીલીમડાના ફેસલનગરમાંથી વ્યાજખોરોની ફરિયાદ સામે આવતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી હતી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31 વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને આ રીતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.