ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (17:25 IST)

રાજકોટ APMCમાં જૂના લસણનો એક કિલોનો 400થી 500 રૂપિયા ભાવ બોલાયો

Rajkot APMC garlic price
- લસણના એક કિલોનો 400થી 500 રૂપિયાનો ભાવ બોલાયો
-સારો ભાવ મળતાં મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું
- બજારમાં લસણનો પુરવઠો ઘટતાં ભાવ વધી ગયા
 
 
Rajkot News-  માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નવા લસણની આવક ન થતાં જૂના લસણના એક કિલોનો 400થી 500 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ભાવમાં થયેલો આ વધારો યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી. જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી એની માગ યથાવત્ રહી છે જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે. છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે.
 
સારો ભાવ મળતાં મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું
રાજકોટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું, જેના કારણે આ લસણનો ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો. સારો ભાવ મળતાં મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું હોવાથી ફેબ્રુઆરી મહિનામાં જ લસણનો સ્ટોક ઓછો છે તેમજ નવા લસણની આવક મોડી હોવાને કારણે હવે જે લસણ બચ્યું એના ભાવમાં વધારો જોવા મળ્યો છે.જૂના લસણમાં હાલ ઝીણા અને મધ્યમ કદનાં લસણ 3થી લઈને 4 હજાર સુધીમાં 20 કિલો વેચાય છે. સારી ક્વોલિટીનું લસણ 4 હજારથી શરૂ થઈને 7,000 સુધીમાં વેચાઈ રહ્યું છે.રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત મધ્યપ્રદેશના જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં લસણ વેચાવા માટે આવી રહ્યું છે. 
 
બજારમાં લસણનો પુરવઠો ઘટતાં ભાવ વધી ગયા
રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટનું યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે. અહીં 20 કિલો લસણના 5000થી 7000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં લસણની સીઝન પૂર્ણ થઈ છે અને નવું ઉત્પાદન હજુ યાર્ડમાં આવ્યું નથી. જેના કારણે આ ભાવ મળી રહ્યા છે. જ્યારે રાજકોટ યાર્ડ ખાતે 15થી 20 દિવસ પહેલાં લસણની ત્રણેક હજાર ગૂણી આવતી હતી. પરંતુ હવે માત્ર 200થી 300 જૂના લસણની ગૂણી આવી રહી છે. લસણની માગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે લસણના ભાવ વધ્યા છે. રાજકોટ યાર્ડ સહિતના રાજ્યના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.