મંગળવાર, 26 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (15:30 IST)

સુરતમાં પોલીસે ટોર્ચર કરતા શ્રમજીવી આધેડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

suicide
સુરતમાં રૂપિયા 50 હજારની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા શ્રમજીવી આધેડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડે પરિચીત વ્યક્તિ પાસેથી 50 હજાર ઉછીના લીધા હતા. જે પરત આપવા માટે PSI એ.એ.આહીર દ્વારા ત્રણ દિવસથી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આધેડે એક ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે. પાલ રોડ સુમન છાયા ખાતે રહેતા 51 વર્ષીય કિશોરભાઈ મનસુખભાઈ ગોહીલ સુથારી કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર અને પુત્રી નોકરી પર ગયા હતા અને તેઓ તેમની પત્નીને પિયરમાં મુકી આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 
 
કિશોરભાઈએ બુધવારે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. તેમનો પુત્ર ઘરે આવતાં પિતાની સ્થિતિ જોઈને ચોંકી ગયો હતો. આ બનાવની જાણ તેણે પરિવારને કરી હતી. ત્યાર બાદ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કિશોરભાઈએ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં પોલીસ અધિકારી એ. એ. આહીરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
 
મૃતક આધેડે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ છે કે, પ્રિય લતા, મયુર, ક્રિષ્ના, હું તમને છોડીને જઉ છું. તમે મને માફ કરી દેજો. કારણ કે, મને ટેન્શન એટલું વધી ગયુ છે અને એક પોલીસ ઇન્સપેક્ટર, વેડરોડ, હરિઓમ મિલ પાસે પોલીસ ચોકી, કોલ કરીને મને છેલ્લા ત્રણથી ચાર દિવસથી ટોર્ચર કરે છે. જેનું નામ છે એ. એ. આહીર. દરેક સગા સંબંધીઓને મારા સાદર પ્રણામ મારાથી ભુલચૂક થઇ હોય તો મને માફ કરી દેજો. મે વિનયભાઈ પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા તેમણે પોલીસને કહ્યું હતું જેથી તે મને ટોર્ચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તપાસ કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોર્ચર કરીને મજબુરીનો લાભ ન ઉઠાવે.