સુરતમાં ઇકો કારના ચાલકે ત્રણ બાળકો સહિત પાંચને ઉડાવ્યા
સુરતના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં સર્વિસ રોડ પર એક ઇકો કારચાલકે એકસાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. રસ્તા પર ચાલતા જઈ રહેલાં ત્રણ બાળકો, એક મહિલા અને એક પુરુષને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાજર લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે પોલીસે અકસ્માત સર્જના કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નારાયણ નગર ખાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રાત્રિના રોજ નારાયણ નગર વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પર ઇકો કાર ચાલકે એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લીધા હતા. કારચાલકે રસ્તા પરથી ચાલતા જઈ રહેલા એક પરિવારને અને પાર્કિંગની જગ્યા પર ઊભા રહેલા લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેમાં 3 નાનાં બાળકો, એક મહિલા અને એક પુરુષ મળી 5 વ્યક્તિને ઉડાવી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસ મથકના પી.આઇ. વી. એ. જોગરણાએ જણાવ્યું હતું કે, બનાવ ગત ગત રાત્રિના નવ વાગ્યાની આસપાસ બન્યો છે. જેમાં કારચાલક દ્વારા અકસ્માત કરી ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પાંચ લોકોને કારચાલકે ઉડાવ્યા હતા. જેમાંથી પુરુષને પગમાં ફેક્ચર થયું છે, જ્યારે તેની પુત્રીને શરીર પર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરી છે. જ્યારે બાકીનાં બે બાળકો અને મહિલાને સામાન્ય જ ઇજાઓ પહોંચી છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.