ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2022 (14:56 IST)

સુરતમાં પતિ પૂર્વ પત્નીને ફરવા લઈ ગયો, ઘેનનું ઈન્જેક્શન આપીને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો

news of gujarat
રાંદેર વિસ્તારમાં ડિવોર્સી પતિએ પૂર્વ પત્નીને ઘેનનું ઇન્જેક્શન મારીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડિવોર્સી પતિ શંકર કામલે પીડિતાને ફરવા લઇ જવાના બહાને બહાર લઇ ગયો હતો અને ઘેનયુક્ત અથવા ચેપી ઇન્જેક્શન મારી દીધું હતું. પોલીસે આરોપી શંકર કામલેની અટકાયત કરી છે અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે સમગ્ર હકિકત જાણવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના ચોક બજારમાં રહેતી મહિલાનો રાંદેર મોરાભાગળ વિસ્તારમાં રહેતા શંકર કામલે સાથે 15 વર્ષ પહેલા પરિચય થયો હતો. આ પરિચય પ્રેમ સંબંધમાં પરિણમતા બન્નેએ લગ્ન કરી લીધા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ શંકર કામલે ચારિત્ર્યની શંકા રાખીને પીડિતાને હેરાન પરેશાન કરતો હતો. જેથી કંટાળીને પીડિતાએ બે મહિના પહેલા કોર્ટમાંથી શંકર કામલે સાથે છૂટાછેડા લીધા હતા અને બે બાળકો સાથે પોતાની માતા સાથે રહી રહી છે.25 ડિસેમ્બરના રોજ શંકર કામલેએ પૂર્વ પત્નીને ફોન કર્યો હતો અને ઘરે મળવવા આવવાની વાત કરી હતી. જેથી પીડિતાએ હા પાડી હતી. આ દરમિયાન પતિ ઘરે આવ્યો હતો અને બાઇક પર બેસાડીને ફરવા લઇ ગયો હતો. પતિએ પૂર્વ પત્નીને પરફ્યૂમની ખરીદી કરાવી હતી. બાદમાં રાંદેરમાં ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો અને અંધારાનો લાભ લઇ પૂર્વ પત્નીના ડાબા પગમાં ઇન્જેક્શન માર્યું હતું. શંકર કામલેએ ઇન્જેક્શન માર્યા બાદ પીડિતાને અશક્તિ જેવું લાગતું હતું અને માથું ભારે થઇ ગયું હતું. ચક્કર આવવા લાગતા તેણે બૂમાબૂમ કરતા શંકર કામલે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જેમ-તેમ કરીને પીડિતા પૂર્વ પત્ની રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને શંકર કામલે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસ સ્ટેશનથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પીડિતાના ડિવોર્સી પતિ વિરુદ્ધ ચેપી અને ઘેનયુક્ત ઇન્જેક્શન માર્યું હોવાની ફરિયાદ નોંધાતા તેની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. શંકર કામલે દ્વારા પૂર્વ પત્નીને જે ઇન્જેક્શન મારવામાં આવ્યું છે તે શેનું હતું તે જાણવા માટે રિપોર્ટની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ હકિકત સ્પષ્ટ થઇ જશે.