મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (17:11 IST)

બીજી લહેરમાં સુરતમાં જ 1400% મેડિકલ વેસ્ટ વધ્યો, નષ્ટ કરવા દોઢ મહિનાથી 24 કલાક ભઠ્ઠી ચાલે છે

કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી જેના કારણે હોસ્પિટલોમાં વપરાયેલાં ઇન્જેક્શન, દવાઓના રેપર, પીપીઇ કીટ, માસ્ક સહિતના મેડિકલ વેસ્ટમાં જંગી વધારો થયો હતો. એકલા સુરત શહેરમાં ગત વર્ષની સરખામણીએ મેડિકલ વેસ્ટમાં 1400 ટકાનો વધારો નોંધાયો હતો. ગત વર્ષે દરરોજ સરેરાશ 258 કિલો મેડિકલ વેસ્ટ નીકળતો હતો જ્યારે ગત અઢી મહિનામાં દરરોજ સરેરાશ 3,369 કિલો મેડિકલ વેસ્ટ નીકળી રહ્યો છે.

મેડિકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી 24 કલાક ભઠ્ઠી ચલાવવી પડે છે.આ પ્લાન્ટમાં 1300 ડિગ્રી ટેમ્પરચરમાં મેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ વેસ્ટના કારણે સંક્રમણ ફેલાય નહીં એ માટે તેનો યોગ્ય ઢબે નિકાલ થાય એ જરૂરી હોય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 6 ટન મેડિકલ વેસ્ટ નિકાલ થઈ શકે તેવો પ્લાન્ટ છે. જેની ક્ષમતા કરતાં વધારે મેડિકલ વેસ્ટ આવતો હોવાથી કર્મચારીઓ પણ ઓછા પડી રહ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા ઇ.એચ.પઠાણે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં મેડિકલ વેસ્ટનું પ્રમાણ બમણું કરતા વધ્યું છે જે મોટો પડકાર હતો. પણ તમામ કર્મચારીઓએ હિંમતપૂર્વક કામ કરીને આ પડકાર ઝીલ્યો હતો.