શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (15:09 IST)

વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા ભક્તોમાં આક્રોશ

bulldozar on temple
વડોદરા શહેરમાં રસ્તામાં આવતા ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના પગલે ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે તંત્ર પર તેની કોઈ અસર થઇ નથી. આજે વહેલી સવારે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર સયાજગંજ સ્થિત પરશુરામ ભઠ્ઠા પાસે નટરાજ ટાઉનશિપ સામે બનાવવામાં આવેલી ખોડિયાર માતાજીની દેરી અને એક દરગાહ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, એકઠા થયેલા લોકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ તંત્ર દ્વારા 7 લોકોની અટકાયત કરી હતી.

મળેલી માહિતી પ્રમાણે બે માસ પહેલા રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇનને અડીને પરશુરામ ભઠ્ઠા નટરાજ ટાઉનશિપ પાસે રેલવેની જગ્યામાં વર્ષોથી બનેલા ગેરકાયદે કાચા-પાકા મકાનો દૂર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, રેલવે તંત્ર દ્વારા આ જગ્યા ઉપર બનાવેલા ખોડિયાર માતાના મંદિરની દેરી અને દરગાહ દૂર કરવામાં આવી ન હતી અને સ્થાનિકોને નોટિસ દ્વારા દેરી અને દરગાહ દૂર કરી દેવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો દ્વારા આસ્થાના મુદ્દાને આગળ ધરી મંદિર અને દરગાહ દૂર કરવામાં આવી ન હતી.દરમિયાન આજે સવારે 5 વાગે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર બનાવવામાં આવેલા ખોડિયાર માતાનું મંદિર અને દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સવારે 5 વાગે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા રેલવે તંત્રના સંબંધિત વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા અને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે, સ્થાનિક લોકો ઉગ્ર દેખાવો કરે તે પહેલા પોલીસે 7 લોકોની અટકાયત કરી દીધી હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રેલવે તંત્ર દ્વારા બે માસ પૂર્વે અમારા કાચા-પાકા મકાનો તોડવા માટે નોટિસ આપતા અમે સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધા હતા. પરંતુ, 70 વર્ષ જુના માતાજીના મંદિરને આજે દૂર કરી દેવામાં આવ્યું હોવાથી અમે વિરોધ કરી રહ્યા છે. અમને તંત્ર દ્વારા બીજી જગ્યા મંદિર માટે ફાળવવામાં આવે તેવી અમારી માંગણી છે.