ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (08:09 IST)

vadodara violence- વડોદરામાં કોમી છમકલું કઈ રીતે થયું અને પોલીસે કેવી રીતે કાબૂ મેળવ્યો?

દેશમાં અનેક સ્થળોએ રામનવમીને દિવસે હિંસા થઈ એ બાદ હવે હનુમાનજયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી અને કર્ણાટકના હુબલીમાં કોમી હિંસા ભડકી હતી. આવી જ ઘટના ગુજરાતના વેરાવળ અને વડોદરામાં પણ ઘટી છે.
 
 
વેરાવળમાં હનુમાનજયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન કથિત રીતે એક મસ્જિદ પર ઝંડો ફરકાવતો એક વીડિયો વાઇરલ થયા બાદ તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.
 
જ્યારે વડોદરામાં હનુમાનજયંતીના બીજા દિવસે રાત્રે બે જૂથો વચ્ચેની અથડામણમાં એક મંદિરની મૂર્તિ ખંડિત થઈ હોવાનું અને કેટલાંક લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
 
પોલીસે બન્ને મામલાને લઈને ફરિયાદ નોંધી હતી અને શકમંદોની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.
 
વડોદરામાં બે સમુદાયના ટોળા વચ્ચે અથડામણ કઈ રીતે શરૂ થઈ
અમે રાત્રે પોણા બાર વાગ્યે ચા પીને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદી પોળના નાકે ઊભેલા દસેક લોકોએ કોઈ કારણ વગર અમને ઊભા રાખ્યા અને મારવાનું શરૂ કર્યું."
 
વડોદરાના રાવપુરા પોલીસમથકે નોંધાયેલી ફરિયાદમાં 30 વર્ષીય મિરાન હાફીજઅલી સૈયદ આવું જણાવે છે.
 
તેમણે નોંધાવેલી પોલીસફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના મિત્ર સાથે ન્યાયમંદિર પાસે ચા પીને પાછા તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાવપુરામાં આવેલી અમદાવાદી પોળ બહાર ઊભેલા કેટલાક લોકોએ વગર કોઈ કારણે તેમને ઊભા રાખીને મારવાનું શરૂ કર્યું હતું.
 
આ બન્નેના મારતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલી અન્ય એક વ્યક્તિને પણ આ ટોળાએ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
 
હાલમાં ફરિયાદી સહિત કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં વડોદરાની સયાજી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
 
આ ઘટના બાદ જોતજોતામાં રાવપુરા વિસ્તારમાં બે સમુદાયનાં ટોળાં વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં એક મંદિરમાં સ્થાપિત મૂર્તિ પણ ખંડિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
 
આવી જ રીતે વેરાવળમાં પણ એક મસ્જિદ પર ચઢીને ઝંડો ફરકાવાઈ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ છમકલું થયું હતું. જે બાદ પોલીસે 30 જેટલા લોકોની ધરપકડ કરી છે.
 
વેરાવળમાં શું થયું હતું?
હનુમાનજયંતીના દિવસે વેરાવળની એક મસ્જિદ પર એક વ્યક્તિ દ્વારા ઝંડો ફરકાવવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
 
વાઇરલ વીડિયોના પગલે પોલીસફરિયાદ નોંધાતાં પોલીસે તે જ શકમંદોની અટકાયત કરી હતી.
 
જોકે, લોકોની ધાર્મિક લાગણી દુભાતાં બે જૂથોનાં ટોળાં આમનેસામને આવી ગયાં હતાં. જેથી વેરાવળમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ હતી.
 
જોકે, પરિસ્થિતિ વણસે તે પહેલાં જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ટોળાને વેરવિખેર કર્યું હતું.
 
જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતાં કહ્યું, "આ મામલે કુલ બે ફરિયાદ નોંધવામાં આવી છે. રેલીનું આયોજન પરવાનગી વગર કરવામાં આવ્યું હોવાથી તેના આયોજકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે."
 
તેમના જણાવ્યા પ્રમાણે, આ મામલે અત્યાર સુધી 30 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.