ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (11:01 IST)

અમદાવાદના વસ્ત્રાપુરમાં રૂપિયા 1200નું ડ્રગ્સ ઓનલાઇન 3 હજારમાં વેચાતું હતું, 2 મહિનામાં 200 ગ્રામ વેચ્યું

cocaine drugs
અમદાવાદના વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી પકડાયેલા નશીલા પદાર્થની હેરાફેરીના કારોબારમાં આરોપીઓ રૂ.1200નું ડ્રગ્સ ઓનલાઇન રૂ.3 હજારમાં વેચી 250 ટકા નફો કમાતા હતા. બે જ મહિનામાં આ ટોળકીએ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં 200 ગ્રામ ડ્રગ્સ વેચી દીધું હતું. જ્યારે ડ્રગ્સ મગાવવાનું અને વેચવાનું આખું કૌભાંડ ઓનલાઇન ચાલતું હોવાથી પોલીસે આંગડિયા પેઢી તેમ જ ઓનલાઇન પેમેન્ટ એપ તથા બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે.વસ્ત્રાપુરમાંથી પકડાયેલા ડ્રગ્સના કારોબારમાં પોલીસે સોહિલ, બસીત અને આકાશની ધરપકડ કરી 3.637 કિલોગ્રામ ડ્રગ્સ પકડી પાડ્યું હતું. જ્યારે આકાશનો ભાગીદાર તેમ જ કૌભાંડના મુખ્ય સૂત્રધાર કરણ વાઘ ઉર્ફે નાનાભાઈ વાઘ ફરાર હોવાથી તેનાં સગાં અને મિત્રોને ત્યાં પોલીસે ગુપ્ત વોચ ગોઠવી છે. ડ્રગ્સની ખરીદી, તેનું પેમેન્ટ તેમ જ વેચેલા ડ્રગ્સનું પેમેન્ટ સહિતનું ફાઈનાન્સનું બધું જ કામ કરણ જોતો હતો. જ્યારે ડ્રગ્સ મુંબઈ, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશથી આવી ગયા બાદ તે ફ્લેવર્ડ પ્રમાણે તૈયાર કરી ગ્રાહકો સુધી ડિવિલરી કરવાની ચેઇન આકાશ સંભા‌ળતો હતો.આકાશે પૂછપરછમાં પોલીસને જણાવ્યું છે કે, કરણ અને તેની પાસેથી 25 ગ્રાહકો રેગ્યુલર ડ્રગ્સ ખરીદતા હતા. આકાશ, કરણના કાયમી ગ્રાહકોમાંથી ઘણા ચોટીલા, વાંકાનેર, રાજુલાના જ હતા. અમુક ગ્રાહકોને તેઓ ખાનગી બસ, આંગડિયા તેમ જ પ્રાઇવેટ વાહનમાં ડ્રગ્સની ડિલિવરી કરાવતા હતા.એમેઝોનના લોકલ વેન્ડર તરીકે આકાશ અને કરણે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપનીના નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આથી એમેઝોન તરફથી તેમને પૂંઠાના બોક્સ, પેકિંગ માટેની કોથળી સહિતની સામગ્રી આપવામાં આવી હતી, જેમાં તેઓ રમકડાં, મોબાઇલ ફોન કવરની આડમાં આ ડ્રગ્સની ડિલિવરી કરતા હતા.