શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (14:12 IST)

International Kite festival અમદાવાદમાં ૩૦મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ : ૪૫ દેશના ૫૦૦થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે

પતંગોત્સવ અને પતંગ એ ગુજરાતની વિશ્વમાં બ્રાન્ડ ઇમેજનો ઉત્સવ છે. આ ઉત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો છે. ગુજરાત અને વિકાસ એ હવે એકમેકના પર્યાય  છે. ગુજરાતની વિકાસનો પતંગ પણ વિશ્વમાં નવી ઊંચાઇઓ સર કરશે તેવો દ્રઢ વિશ્વાસ છે તેમ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદ ખાતે શરૃ થયેલા ૩૦મા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રવિવારથી ૯ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે અને તેને રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પતંગોત્સવમાં ૪૫ દેશના, ભારતના ૧૩ રાજ્યના, ગુજરાતના ૧૯ શહેરના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓની સેવા વસતી વસાહતના ૨ હજાર બાળકોએ યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના પણ કરી હતી. એનઆઇડી પાછળ આવેલા રિવરફ્રન્ટમાં ૧૪ જાન્યુઆરી સુધી પતંગોત્સવ યોજાશે.

મુખ્યમંત્રી રૃપાણીએ જણાવ્યું હતું કે, 'વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં મેરેથોન, વાયબ્રન્ટ સમિટ, શોપિંગ ફેસ્ટિવલ સાથે પતંગોત્સવ જેવા જનઉમંગના કાર્યક્રમ યોજીને ગુજરાતે પોતાની આગવી વિકાસગાથા રચી છે. સૂર્યના મકર રાશિમાં સંક્રાંતિના ઉત્તરાયણ ઉત્સવને પ્રકૃતિ-પર્યાવરણની ઉપાસના સાથે ઉર્ધ્વ ગતિ નવી દિશામાં જવાનો પણ અવસર છે. સનાતન કાળથી પ્રકૃતિ પૂજાના આપણા સંસ્કાર વારસાને ઉત્તરાયણનું પર્વ વધુ ઉન્નત બનાવે છે. ઉત્તરાયણનું પતંગ પર્વ સમરસતાનું પર્વ પણ બન્યું છે. '

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, 'પતંગોત્સવ એ મનુષ્યને પ્રગતિ સાથે પ્રકૃતિ પૂજાનો પણ સંદેશ આપે છે. પતંગોત્સવ આપણને શીતકાળની આળસ ખંખેરીને નવી ઉર્જાનો સંચાર કરવા માટે પ્રેરે છે. વિદેશમાં રહેતા લોકોને પોતાના મૂળ તરફ પરત ફરવા આ તહેવાર પ્રેરણા આપે છે. પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો ઉર્જાનો સંચાર કરે છે . ઉત્તરાયણનો આ ઉત્સવ પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ એક-મેકને સાથે મળીને સૌને ને આગળ, પતંગની જેમ નવી ઊંચાઇ સર કરવાની પ્રેરણા આપે છે.