શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 5 જાન્યુઆરી 2019 (18:04 IST)

કોર્ટમાં ગેરશિસ્ત અંગે પોલીસ અધિકારીઓને કોર્ટે ખખડાવ્યા

અમદાવાદની સિટી સેશન્સ કોર્ટમાં આજે ત્રણ-ચાર જામીન અરજીની સુનાવણીમાં પોલીસ અધિકારીઓ ગેરહાજર હતા. આ અધિકારીઓ ગત ત્રણ-ચાર સુનાવણીથી ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત કેટલાંક પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં હાજર હતા. આ ગેરશિસ્ત અંગે કોર્ટે વેધક ટકોર કરી હતી કે કરાઇની પોલીસ એકેડેમીમાં શિસ્તના પાઠ શીખવવામાં નથી આવતા કે શું ? સિવિલ ડ્રેસમાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ ગેરહાજર રહેલા પોલીસ અધિકારીઓને કોર્ટે કારણદર્શક નોટિસ પાઠવી હતી. આ અંગે ઉચ્ચ પોલસ અધિકારીઓનું પણ ધ્યાન દોરવા સરકારી વકીલે ખાતરી આપી હતી કે હવેથી સિવિલ ડ્રેસમાં કોર્ટમાં હાજર રહેતા પોલીસ અધિકારીઓ અંગે પોલીસ કમિશનરને તાકીક કરાશે.
 
સિટી સેશન્સ કોર્ટમાં જજ કે.એસ. પટેલ સમક્ષ આજે કેટલીક જામીન અરજીઓની સુનાવણી થઈ હતી. જેમાં ત્રણ-ચાર જામીન અરજીઓની સુનાવણીમાં પોલીસ અધિકારીઓ ગેરહાજર હતા અને તેઓ સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓના વકીલની રજૂઆત હતી કે પોલીસ અધિકારીઓ કોર્ટ સુનાવણી અંગે ગંભીર નથી. તેમની ગેરહાજરીના કારણે જામીન અરજીની સુનાવણીઓ ટળી રહી છે. કોર્ટે આવા અધિકારીઓ વિરૃધ્ધ પગલાં લેવા જોઈએ. ગેરહાજર રહેનારા પોલીસ અધિકારીઓને કોર્ટે કારણદર્શક નોટિસ પાઠવી છે. 
 
ઉપરાંત કોર્ટમાં હાજર મોટાભાગના પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં હતા. કાયદા મુજબ કોર્ટ સુનાવણીમાં સી.આઈ.ડી., ક્રાઇમ બ્રાંચ કે વિશેષ જવાબદારી સંભાળતા અધિકારીઓ સિવાયના પોલીસ અધિકારીઓને ફરજીયાત યુનિફોર્મમાં હાજર રહેવાનું હોય છે. તેમાં પણ એક મહિલા પી.એસ.આઈ. રંગબેરંગી ડ્રેસમાં કોર્ટ સુનાવણીમાં હાજર હોવીથી પોલીસે સમન્સ પાઠવ્યા હતા અને યુનિફોર્મ પહેરીને કોર્ટ સુનાવણીમાં હાજરી આપવાનો નિર્દેશ કર્યો હતો. ત્યારબાદ સરકારી વકીલ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે હવે કોઈ પોલીસ અધિકારી સિવિલ ડ્રેસમાં હાજર રહેશે તો પોલીસ કમિશનરને લેખિત જાણ કરવામાં આવશે અને ખુલાસો માગવામાં આવશે.