ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (19:00 IST)

રાજકોટમાં બિલ્ડર્સ ગૃપ પર ITના દરોડા, 15થી વધુ જગ્યાએ 150 અધિકારીઓની ટીમ ત્રાટકી

 IT raid
આવકવેરા વિભાગે રાજકોટમાં ટોચની બિલ્ડર્સ લોબી પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગની ટીમ વહેલી સવારે ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 
 
15થી વધુ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે
રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ કમિશનરના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. વહેલી સવારે 6 વાગ્યે જ આવકવેરા વિભાગની ટીમે દિલીપ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેના ભાગીદારોને ત્યાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે. ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ જેમ કે, ઓર્બીટ ટાવર, ઓર્બીટ રોયલ ગાર્ડન સહિતના પ્રોજેકટ. આ પ્રોજેકટમાં રહેલા તેમના ભાગીદાર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટ્વીન ટાવર પ્રોજેકટમાં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા, ફાયનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવી ગયા છે અને વિવિધ પ્રોજેકટની ઓફિસ, બિલ્ડરોના નિવાસસ્થાન સહિતની 15થી વધુ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.
 
રીયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો
આજે બિલ્ડર લોબીને આવકવેરા વિભાગે સાણસામાં લેતા સૌરાષ્ટ્રભરમાં બિલ્ડરો અને ફાયનાન્સરો તેમજ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.સમગ્ર ઓપરેશનને ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારી આદર્શ તિવારી લીડ કરી રહ્યા છે. આજના દરોડામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. આ અગાઉ સપ્ટેમ્બર 2018માં પણ આવકવેરા વિભાગ દ્વારા લાડાણી ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.