બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Updated : શનિવાર, 2 માર્ચ 2024 (16:35 IST)

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, આદિવાસી નેતા નારણ રાઠવા આજે ભાજપમાં જોડાશે

Narayanbhai Rathwa resigned
Narayanbhai Rathwa resigned

- રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે ભાજપમાં જોડાશે 
- થોડા દિવસ અગાઉ જ રાજ્યસભામાં નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે.
-  કોંગ્રેસની મજબૂત આદિવાસી વોટબેંકમાં મોટું ગાબડું પડશે


છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કરવાના છે.

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ રહી છે અને કોંગ્રેસ સાફ થઈ રહી છે. ત્યારે છોટા ઉદેપુર ખાતે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા જો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસ નામશેષ થવાના આરે આવી ગઈ છે. હાલ તો છોટા ઉદેપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા જ કોંગ્રેસના નેતાઓ તરીકે રહ્યા છે. નારણ રાઠવા તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જેનાથી કોંગ્રેસની મજબૂત આદિવાસી વોટબેંકમાં મોટું ગાબડું પડશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરશે.

છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની આદિવાસી મજબૂત આદિવાસી વોટબેંક છે. આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે.નારણ રાઠવા 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને વી.પી. સીંગ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા. ત્યારબાદ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસીંગ રાઠવા સામે તેઓની હાર થઈ હતી. 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. 2009 અને 2014માં તેઓની રામસીંગ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ 2018માં મળ્યો હતો અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.